3 - સમીક્ષા / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / ઉમાશંકર જોશી


આપણા નવતર કવિઓમાંથી જેમને વિશે ઊંચી આશા સેવવામાં આવે છે તેમાંના શ્રી રાજેન્દ્ર શાહ એક છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'ધ્વનિ’ ૧૯૫૧માં પ્રગટ થયો. આ સંગ્રહ એમને માટે સેવાયેલી આશાઓને સાચી ઠેરવે છે એટલું જ કહેવું પૂરતું નથી, બલકે ગુજરાતી ભાષાના જે ગણનાપાત્ર કાવ્યસંગ્રહ છે તેની હરોળમાં સહેજે પોતાનું સ્થાન પામે એવો એ રસસમૃદ્ધ છે.

પ્રકૃતિના, ખાસ કરીને ગ્રામજીવન-કૃષિજીવનને વીંટળાએલી પ્રકૃતિના, વર્ણનમાં રાજેન્દ્રની જે આગવી કવિત્વશક્તિ ખીલે છે તે ગુજરાતી કવિતામાં આવકારપાત્ર વસ્તુ છે :
મધ્યાહ્નની અલસ વળ હતી પ્રશાન્ત
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ. (પૃ. ૬૯)

આવી એક સરળ અને હૂબહૂ ચિત્ર ઉપસાવતી ઉપમાથી એમનું એક સુંદર કાવ્ય ‘શ્રાવણી મધ્યાહ્ને' શરૂ થાય છે. પછી બીજી એક ઘરગથ્થુ ઉપમાથી ગામનું ચિત્ર આપે છે :
ભારો ઉતારી શિરથી પથને વિસામે
નાનેરું ગામ શ્રમથી વિરમ્ય લગાર. (પૃ. ૬૯)

ખેતરમાં ઝાઝું કામ નહિ એટલે લોકો આરામમાં છે. એમનાં 'નેત્રમહીં મૌન હતું અપાર’ અને વાવણી અને લણણીની શ્રમભરતી વચ્ચેની આ દશા કવિ
આંહી કશો જલધિ બે ભરતીની મધ્ય
કંઠાર છોડી બનિયો નિજમાં નિમગ્ન. (પૃ. ૭૦)
એ વીર્યશાળી રૂપકથી કેવી તાર્દશ કરે છે ! સીમનો મારગ કેવોક છે
ભીનો બધો, ક્યહીક પંકિલ, ક્યાંક છાયો
દુર્વાથી, બેઉ ગમ વાડ થકી દબાયો. (પૃ. ૭૦)

પડખે ખાબોચિયામાં પડેલી ભેંસોનું વાસ્તવચિત્ર પણ જોતા જઈએ :
ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું,
દાદૂર જેની પીઠપે રમતા નિરાંતે (પૃ. ૭૦)

કવિ રસ્તાને અંતે એક તળાવ ઉપર આવી પહોંચે છે :
નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ. (પૃ. ૭૦)

અને કાંઠા પરના શિવાલયમાં જઈ વિરમે છે. ઘંટ વગાડીને શાંતિને ક્ષુબ્ધ કરતાં પણ એ સંકોચાય છે. વગર વગાડ્યે રણકારનો કેફ એ અનુભવે છે. કહે છે :
ટેકો દઈ ઋષભ-નન્દિ-ની પાસ બેસું :
કેવી હવા હલમલે મુજ પક્ષ્મ-રોમે ! (પૃ. ૭૧)
અને આવા ‘શ્રાવણી મધ્યાહ્ને’ અનુભવેલા સૌન્દર્યમાં અનાયાસે એને સંસાર સમસ્તના શિવના-કલ્યાણતત્ત્વના નિવાસસ્થાનનાં દર્શન થાય છે :
કૈલાસનાં પુનિત દર્શન..... ધન્ય પર્વ,
ના સ્વપ્ન-જાગૃતિ, તુરીય ન, તો ય સર્વ. (પૃ. ૭૧)

આ એક જ કાવ્ય રાજેન્દ્રની કવિત્વશક્તિનો સર્વતોમુખી પરિચય કરાવવા પૂરતું છે.
વસન્તતિલકાના લલિતગભીર લય ઉપરનો આ જ કાબૂ અને વર્ણનશક્તિ ‘આનંદ શો અમિત’માં અનુભવાય છે. ખેડુદંપતી બળદો સાથે સાજ ઘેર પાછા વળે છે :
ત્યાં આપણે ઘર ભણી વળિયે ઉમંગે,
વાજી રહે ઘુઘરમાં પશુ કેરી મૈત્રી.
જો એમણે ધરી ધુરા, પ્રિય ! આપણી, તો
તેં એમનો શિર પરે તૃણભાર લીધો. (પૃ. ૫૧)

પાંચ સોનેટનું ગુચ્છ ‘આયુષ્યના અવશેષે’ એ પણ આ સંગ્રહની એક ઉત્તમ કૃતિ છે. તેમાં હરિણીના ભાવનાસંવાદીલય ઉપરાંત આ ચિત્ર-નિર્માણશક્તિ જ મુખ્ય ભાગ ભજવે છે. આરંભમાં જૂની ડમણીનું ચિત્ર લયની મદદથી જ તાદૃશ થઈ જાય છે.
ખખડ થતી ને ખોડંગાની જતી ડમણી જૂની (પૃ.૨૬)

અવાવરુ ઘર અને આગંતુકના પાડોશીઓએ કરેલા સ્વાગતની બે કડીઓ રાજેન્દ્રની એક સિદ્ધિરૂપે હમેશા લેખાશે.
ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,
નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,
કુતૂહલ થકી પ્રેર્યા આવી વળ્યાં કંઈ બાળકો,
ક્ષણ ભસી પછી શ્વાને સૂંધી લીધા ચરણો મુજ. (પૃ.૨૭)

મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં,
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી? કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન. (પૃ. ૨૭)

અવાવરુ ઘરની જાળીના વર્ણનની એક પંક્તિ કેવી તો સુરેખ છે !
ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી. (પૃ. ૨૭)

સીમ કે ગામના વર્ણન ઉપરાંત રાજેન્દ્રની કવિત્વશક્તિ સ્વાભાવિકપણે બીજે ક્યાંય ખીલી ઊઠતી હોય તો તે પ્રેમના કદીક મુગ્ધ, કદીક ગંભીર, કદીક આરતભર્યા પણ હંમેશાં સુકુમાર પ્રસન્ન આલેખનમાં. વર્ણન તો અહીં મલકી ઊઠે જ.
ઉરના અજંપાના ઊડે છે. આગિયા (પૃ.૯૫)
હું તો મ્હોરેલી મંજરીની ગંધથી ઘવાયો (પૃ.૮૯)

એવાં ભાવચિત્રણો તો સંગ્રહમાં વેરાયેલાં પડ્યાં છે. પણ ક્યારેક સીધું સરળ ઉચ્ચારણ હોય છે અને એ અપૂર્વ આકર્ષકતા ધારણ કરે છે :
ચાર આંખે એક તેજની ધારા (પૃ. ૮૩)
દિલ તણો તવ કેટલો મ્હોરતો મુખસોહામણ ક્ષોભ ! (પૃ.૫૫)
હું છું ગયો ખોવાઈ રે તારી મહીં (પૃ. ૨૫)
હું તો મને બેઠો ગુમાવી તું મહી (પૃ. ૨૫)
મેં તો મને શોધી લીધો તારી મહીં. (પૃ. ૨૬)

લોકગીતના લયમાં પ્રણયગાનનો મસ્તીહિલ્લોલ રાજેન્દ્રમાં જોવા જેવો જામે છે :
હો સાંવર થોરી અખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ
નાગર સાંવરિયો
મારી ભીંજૈ ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ
નાગર સાંવરિયો (પૃ. ૯૩)

આ પ્રકારનું ઉત્તમ ગીત છે પદમણીને ઉદબોધન :
મસ મસ ફૂલડે મ્હોર્યો કદંબ મ્હોરી છે નાગરવેલ,
સીમાડે સીમાડે પંખીનાં ગાનમાં નાખી જોબનિયે ટહેલ
પદમણી વેણ મારું પાછું મા ઠેલ્ય, મા ઠેલ્ય !-...
નહિ આગલા નહિ પાછલા ગોરી ! વચલા તે ચાર દિનો ખેલ,
તારા તે હૈયાની હેલમાં રૂપાળો લાધ્યો મને છ રંગ મ્હેલ,
પદમણી વેણ મારું પાછું મા ઠેલ્ય, મા ઠેલ્ય !- ... (પૃ.૯૦-૯૧)

રાજેન્દ્રનાં પ્રણયકાવ્યોમાં પ્રણયની વિષમતા-વિષમયતા, વૈકલ્ય વૈફલ્ય, એ કશાના સૂરો નથી. છે પ્રણયની મુગ્ધ ચારુતા, સહજીવનની રસસભરતા. આત્મસંતર્પક સાયુજ્યસિદ્ધિનું આલેખન, એથી ‘યોગહીણો વિયોગ’ (પૃ.૪૪) પણ અભદ્ર થતું બચ્યું છે. સર્વત્ર પ્રેમકાવ્યોમાં શુચિતાની મુદ્રા છે. પ્રેમ એ જીવનના પરમ વિકાસમાં ઉપકારક તત્ત્વ છે એવી કવિની કોઈક અસ્પષ્ટ ગૂઢ શ્રદ્ધા એમાં કારણભૂત હોય. ‘હે મુગ્ધ ! લજ્જામયિ !’ (પૃ. ૩૮) જેવું એક રમ્ય (જો કે કોટિ conceit) કાવ્ય ગાનારા કવિ ‘નિખિલ સહુને આલિંગીને રતિ ઉરની રમે’ (પૃ. ૪૮) એ ભાવથી પણ આકર્ષાય છે. ‘પ્રિય, તવ વય સંધિકાલ’ ગાનારાએ ‘આાવત ને જનારનો’ અને ‘આનંદનો કરુણ-વિહવલ ક્રંદના તણો’ સંધિકાલ (પૃ. ૧૯) પણ જોયેલો છે. એટલે આ સંગ્રહનાં કાવ્યોમાં-શૃંગારનાં કાવ્યોમાં પણ-ઉપશમની શુભ્ર રેખા ઊપસી આવતી દેખાય તો એમાં આશ્ચર્ય નથી.

રાજેન્દ્રની કવિત્વશક્તિ જેમાં સ્વાભાવિકપણે ખીલતી જતી જણાતી હોય એવી ત્રીજી વસ્તુ તે આ ઉપશમમાં લય શોધતી હૃદયની સર્વસ્પર્શી અભિસારવૃત્તિ ગણાય. એ કહે છે :
ઘરને તજીને જનારને
મળતી વિશ્વતણી વિશાળતા. (પૃ. ૪૭)

સંગ્રહને અંતે થોડાંક જૂની-નવી ઢબનાં ભક્તિકાવ્યો છે તેમાં આ વૃત્તિનો જેટલો સ્વાભાવિક ઉન્મેષ નથી તેટલો ઉત્તમ કાવ્યોના નિર્વહણમાં છે. 'શ્રાવણી મધ્યાહ્ન'નો શામક અંત આપણે જોયો. ‘આયુષ્યના અવશેષે’ની છેલ્લી પંક્તિઓ છે .
ગહન નિધિ હું, મોજું યે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. (પૃ. ૨૮)

ત્રીજું એક ઉત્તમ કાવ્ય ‘શેષ અભિસાર’ (જેમાં ‘અંગથી સ્પર્શનું તારૂ રેશમી વસ્ત્ર હો પરું’ એ મૃત્યુના સ્ત્રી પ્રત્યેના ઉદ્ગારમાં કોઈ અદ્દભુત સુંદર દર્શન વ્યક્ત થયું) તે પણ યોગ્ય રીતે સર્વ સ્વજનોના
શાન્તિ હો ગતને,
પૂંઠે રિક્તને શાન્તિ शान्ति હો.... (પૃ. ૩૧)
- એ ઉદ્ગાર આગળ વિરમે છે.

રાજેન્દ્ર શ્રેય:સાધક અધિકારી વર્ગના સંપર્કમાં અમસ્તા જ રહ્યા નથી. શ્રી ઉપેન્દ્રાચાર્ય અને શ્રી ત્રિલોકચંદ્રસૂરિ (જે બંનેને ‘ધ્વનિ’નું અર્પણ થયું છે)ના સંપર્કથી પોષાયેલી પણ એમને પોતાને સહજ એવી આ વૃત્તિ લાગે છે. જેનું ઉચ્ચારણ સંગ્રહના પહેલા કાવ્યમાં જ, યોગ્ય રીતે મળે છે :
નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ મલિન વેશે.....

નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સહુ રંગ....
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે..... (પૃ. ૧૭)

આપણા આ કવિનું જીવન અને સર્જન ભલે નિરુદેશે હોય, અને
ગુંજરતો વહ્યો ધ્વનિ
તરંગ-આવૃત્ત અનંત શાન્તિમાં (પૃ.૨૪)

એમ ક્યાંક આડવાતમાં એ કહે છે તેમ આ સંગ્રહ ‘ધ્વનિ’ (અને અનુ-‘ધ્વનિ’ઓ) પણ ભલે ગુંજન કરતાં કરતાં અનંત શાંતિમાં શમે-બધું જ શમવાનું છે તો ! પણ તે દરમ્યાન ગુજરાતી ભાષા બોલનારાનો ઘણો ઉદ્દેશ સધાયો હશે-ઉચ્ચ કાવ્યાનંદનુ સંતર્પકારી પાન એણે એમને કરાવ્યું હશે.
***
સૌંદર્ય-રસ માટેના આગ્રહની પ્રક્રિયા ત્રીશીમાં જ શરૂ થઈ ચૂકી હતી. પણ ૧૯૪૦ માં તો તે સ્કુટ થઈ ચૂકી છે. રાજેન્દ્ર રાષ્ટ્રીય કે સામાજિક પ્રવૃત્તિઓથી અલિપ્ત નથી રહ્યા, અને ફિલસૂફીના સ્નાતક હોવા છતાં વ્યવસાયથી તદ્દન વ્યવહારુ ગણાય એવા નાના-નાના વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા રહ્યા છે. સંસારને અનેક બિંદુએ સ્પર્શવાનો એમને પ્રસંગ મળ્યા કર્યો છે. છતાં ‘ધ્વનિ’ની સમૃદ્ધિમાં યુગની મહાન ઘટનાઓનો સીધો ફાળો કેટલો નહિવત છે ! ૧૯૪૨ની લડત, બીજું વિશ્વયુદ્ધ, અણુબૉમ્બ, બંગાળનો દુષ્કાળ, કાળાં બજાર, હિંદની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, ભાગલા પછીના હત્યાકાંડ, ગાંધીજીની હત્યા - કેવા મોટા મોટા બનાવો બન્યા છે ! પણ ‘ધ્વનિ'માં એનો સીધો પડઘો નથી. આ સંગ્રહ જાણે કાલપ્રવાહની બહારથી જ પ્રગટી નીકળ્યો ન હોય !

પદ્યરચના તપાસવા જાઓ એટલે ‘ધ્વનિ' સંગ્રહ કાલપ્રવાહની બહારથી-ક્યાંકથી-પ્રગટી નીકળ્યો છે એવો ખ્યાલ ક્ષણ માટે પણ નહિ આવે. ગુજરાતી પદ્યરચનાની પરંપરામાં સીધો એ વહ્યો આવે છે. ત્રીશીમાં જેની અસ્પષ્ટ શરૂઆતો છે અને નિરંજન આદિ નવીનતર કવિઓમાં જેના પ્રયોગો છે એ પરંપરિત ઉપજાતિ-હરિગીત-ઝૂલણા-મનહરને રાજેન્દ્ર અપૂર્વ લયસૂઝથી રમાડે છે.

આવા પ્રયોગોને ખરું જોતાં તો વ્યસ્ત છંદોના પ્રયોગો કહેવા જોઈએ. પણ પરંપરિત શબ્દ રૂઢ થાય એ ઈચ્છવા જેવું છે, કારણ કે ભલે કવિ કોઈ એક છંદના ટુકડા રમતા મૂકીને છંદને વ્યસ્તરૂપે પ્રયોજતો હોય, એનો જીવ તો છંદની લયપરંપરાના દોર ઉપર જ હીંચકતો હોય છે, - નટ ભલે આમ નમે તેમ નમે, એક પગ લઈ લે, જરીક કૂદકો ખાઈ લે, પણ દોર ચૂકતો નથી તેમ. પરંપરિત છંદોમાં રાજેન્દ્રની નજાકત પણ આકર્ષક છે. પરંપરિત હરિગીતમાં રચાયેલાં ‘એક ફૂલ એવું’ (પૃ. ૪૭) ‘સમયની ગતિ’ (પૃ.૬૬) એ એનાં ઉત્તમ ઉદાહરણ છે; એ ઉપરાંત સંગ્રહમાં પરંપરિત હરિગીતના ‘વર્યા પછી’ (પૃ. ૭૧) ‘જા... ઓ, આવ’ (પૃ.૫૯), ‘અશ્રુ હે’ (પૃ.૪૩) ‘હું છું ગયો ખોવાઈ’ (પૃ. ૨૫), ‘સ્વપ્નજાગૃતિ’ (પૃ. ૨૨), પરંપરિત ઉપજાતિનો ‘હૃદય હે !’(પૃ. ૨૧), પરંપરિત મનહરના ‘પથ દૂર દૂર જાય’, (પૃ. ૬૫) ‘પાવકની જ્વાળ યદિ’ (પૃ.૫૯), ‘વય સંધિકાલ’ (પૃ.૩૫), અને પરંપરિત ઝૂલણાના ‘જિંદગી, જિંદગી’ (પૃ.૬૨), ‘પ્રેમના મંત્રનું કૈંક ગુંજન’ (પૃ. ૪૮), - પ્રયોગો આ સંગ્રહમાં છે, અને બધાં જ લયાન્દોલનની દૃષ્ટિએ સફળ છે.
***

રાજેન્દ્રની બાબતમાં એક વાત સ્પષ્ટ નોંધવાની જરૂર છે. ગીતો તરફ (અને તેમાંય બંગાળી ઢાળનાં ગીતો તરફ) એમનો પક્ષપાત અછતો નથી. તે છતાં એમની કવિતાની સિદ્ધિ સવિશેષપણે છંદોબદ્ધ કૃતિઓમાં છે. ‘ધ્વનિ'માં ‘રહસ્યઘન અંધકાર’, ‘સંધિકાળ’, ‘હૃદય હે', 'વિધાતાને' ‘ને એ જ તું’, ‘વિખૂટા પડતાં’, ‘અંતરાય’, ‘વિવર્ત’, ‘શ્રાવણી સંધિકાએ', ‘યોગહીણો વિયોગ’, ‘એક ફલ એવું’, ‘સમયની ગતિ’, ‘વિજન અરણ્યે’ - એ છંદોબદ્ધ રચનાઓ કોઈ ને કોઈ કારણે આકર્ષ્યા વિના ન રહે એવી કૃતિઓ છે. ગીતોમાં પણ 'તને જોઈ જોઈ તોય તું અજાણી’ 'ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?’ ‘અલિ ! ઓ ફૂલની કલિ’, ‘કેવડાને ક્યારે', ‘મારું પહેલા પરોઢનું સોણલું’, ‘પેલાં રાનભૂમિનાં લેલાં' - જેવી કૃતિઓ મનમાં વસી જાય એવી છે, પણ રાજેન્દ્રનો સર્વાંગી પરિચય છંદોબદ્ધ કૃતિઓમાં સહજપણે થાય છે. રાજેન્દ્રની છંદોબદ્ધ કૃતિઓમાં એક જાતની પ્રૌઢિ, પક્વતા પણ છે. એમના તેમ જ નવીન નવીનતર કવિમાત્રનાં ગીતો વિષે એક પ્રશ્ન હંમેશાં મનમાં જાગ્યા વગર રહેતો નથી કે નાનાલાલે ગીતમાં જે શિખરો સર કર્યા છે તેની નજીક પહોંચે એવી રચનાઓ કેટલી ઓછી જોવા મળે છે.

છંદોના લયહિલ્લોલ માટે રાજેન્દ્રની ચીવટ ભારે છે. પરંપરિત છંદોમાં સૌથી વધુ સિદ્ધિ રાજેન્દ્રને મળે છે એ આપણે જોયું, ‘ગોપવનિતાને' (પૃ ૩૯)માં ત્રણ કડીને અંતે એમના પ્રિય વસંતતિલકામાંથી છૂટીને કવિ ગીતમાં નાસે છે એ લયપલટો ખરે જ તૃપ્તિકર છે. કવિને વસંતતિલકા ઉપરાંત હરિણીના લયની સારી હથોટી છે. પણ તેમાં ૧૧મી શ્રુતિ એમનું કસોટીસ્થાન છે. ‘સાદ્યંત જીવનનો જય’, ‘કોનાય તે વળી અંતને’ (પૃ. ર૮), ‘શ્વેતાંગ હંસ રહ્યાં બની’, ‘ગર્જંત ક્ષીર સમુદ્રને', 'મોતી જ મધ્ય વિતાનમાં’ (પૃ.૪૬), ‘ચિત્ર ચ સ્વાતિ સમાં દગ’ (પૃ.૪૬).

આવા વિગતદોષો તો સહેજ વધુ ધ્યાન આપવાથી દૂર કરી શકાય એવા છે, - અને એ આશયથી જ ચર્ચ્યા છે.
શ્રી રાજેન્દ્ર શાહ પાસેથી ઉત્તરોત્તર વધુ રસસમૃદ્ધ અને અનવદ્ય રચનાઓ મળ્યાં કરો.
ઉમાશંકર જોશી
‘સંસ્કૃતિ' મે, જૂન ૧૯પર


0 comments


Leave comment