2.1 - કાવ્ય. ૧ : નિરુદ્દેશે / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


આ કાવ્ય આખા સંગ્રહની પ્રસ્તાવના રૂપ છે. એનો સંપૂર્ણ અર્થવિસ્તાર મહાનિબંધમાં જ પરિણમે એવું આ કાવ્ય છે એટલે અહીં એનો મિતાક્ષરી અર્થનિર્દેશ જ શક્ય છે.

નિરુદ્દેશે
કવિનો ઉદ્દેશ શો? એનો એકમાત્ર ઉત્તર છે, કાવ્ય. કાવ્ય એ કવિનું ચરમ અને પરમ લક્ષ્ય છે, પોતે પ્રસંગો પાત્રો વગેરે બધું જ માત્ર નિમિત્ત છે. જ્યારે જ્યારે કવિએ કાવ્ય સિવાયનો અન્ય કોઈપણ ઉદ્દેશ સેવ્યો છે ત્યારે ત્યારે એણે કાવ્યનો ભોગ આપ્યો છે. હા, પણ કાવ્યનો ઉદ્દેશ શો? આ પ્રશ્ન વિવેચકોને પીડા રૂપ થઈ પડ્યો છે. જગતમાં જેટલા વિવેચકો એટલા આ પ્રશ્નના ઉત્તરો છે. કોઈપણ બે વિવેચકો આ પ્રશ્નના ઉત્તર પરત્વે ભાગ્યે જ સંમત થતા જણાય છે. જુદે જુદે સમયે અને જુદે જુદે સ્થળે આ પ્રશ્નના જુદા જુદા ઉત્તરો અપાયા છે. આ પ્રશ્નનો સર્વત્ર અને સર્વદા સન્માન્ય, સંતોષકારક, સર્વસ્વીકૃત અને અંતિમ એવો ઉત્તર કોઈ વિવેચકે ઉચ્ચાર્યો નથી ત્યાં લગી વિવેચનનું ભાવિ ઊજળું અને વિવેચકોનું અસ્તિત્વ સલામત છે.

પણ જો કવિઓને પૂછવામાં આવે કે કાવ્યનો ઉદ્દેશ શો? તો તો આદિકાળથી તે આજ લગીના કવિઓએ સર્વાનુમતે આ પ્રશ્નનો એક જ ઉત્તર આપ્યો છે કે કાવ્યનો ઉદ્દેશ કાવ્ય. એટલે જ સ્તો આપણા કવિએ આ સંગ્રહના પ્રથમ કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કહી નાખ્યું : નિરુદ્દેશે. પણ આ નિરુદ્દેશેનો અર્થ કંઈક ગીતાની અનાસક્તિના અર્થ જેવો છે. જેમ અનાસક્તિ એટલે કર્મના ફળ પ્રત્યે અનાસક્તિ પણ ઈશ્વર પ્રત્યે તો આસક્તિ તેમ કાવ્યોનો ઉદ્દેશ કાવ્ય, તે ભલે, પણ કવિનો ઉદ્દેશ કવિ સ્વયં નહીં (અહીં રંગદર્શી કવિ-romantic-poet-ની ક્ષમા યાચવી રહી) પણ કાવ્ય છે. કાવ્યને કાવ્ય સિવાય ભલે અન્ય ઉદ્દેશ ન હોય પણ કવિને તો ઉદ્દેશ છે જ અને તે કાવ્ય. કારણ કે કાવ્ય સિવાય અન્યત્ર ક્યાંય કવિનું અસ્તિત્વ જ નથી-કવિ અને કાવ્ય એટલા અભિન્ન છે, ઓતપ્રોત છે. કાવ્યથી અલિપ્ત એવું પોતાનું અસ્તિત્વ કવિ તો નથી જ કલ્પી શકતો. આ કાવ્યના અંતે કહ્યું છે ‘હું જ રહું અવશેષે’ આ ‘હું’ માત્ર કવિ નહીં પણ, પ્હેલી અને છેલ્લી પંક્તિઓની વચમાંની પંક્તિઓમાં વર્ણવી છે તે પ્રક્રિયામાંથી પસાર થયા પછીનો, સહુ સંગ વિલસી રહ્યા પછીનો, રૂપાંતર પામેલો વિકાસ પામેલો છે ‘હું’ એટલે કે કાવ્ય. જે પ્રક્રિયામાંથી કાવ્ય જન્મે છે તે પ્રક્રિયા એટલે એક ‘હું’ માંથી આરંભ પામતી અને બીજા ‘હું’ માં અંત પામતી યાત્રા.

‘ક્યારેક મને આલિંગે છે.......સહુ રંગ’.
કાવ્ય એ ઇન્દ્રિયરાગની લીલા (sensuous activity) છે. કવિના અંતરજગતનો બહિર્જગત સાથેનો સંબંધ ઇન્દ્રિયો દ્વારા જ સધાય છે. બહિર્જગતના સઘન પદાર્થો (concrete objects) દ્વારા, એમની સહાયથી કવિ એનું આંતરજગત પ્રગટ કરતો હોય છે. આથી જ પ્રતીકો (images-symbols) એ કાવ્યની અનિવાર્ય સામગ્રી છે. કવિને સૌથી વધુ પ્રતીકો પ્રકૃતિએ પૂરાં પાડ્યાં છે, એનું કારણ પ્રકૃતિની વિપુલતા અને વિવિધતા છે. કવિતાનો પ્રશ્ન અંતે તો ભાવપ્રતીકોનો પ્રશ્ન છે. ભાવને અનુકૂળ, અનુરૂપ, ઉચિત અને ઉપકારક એવા પ્રતીકની શોધમાં જ કાવ્યની સિદ્ધિ છે. પ્રતીક વિના ભાવને પ્રગટ કરવો ભાગ્યે જ શક્ય છે. પ્રતીકની આસપાસ જ કવિનો ભાવ ઘનીભૂત થતો હોય છે. આ ભાવપ્રતીકોમાં જગતનો સૌથી વધુ પારંગત કવિ ડેન્ટિ છે. જિજ્ઞાસુઓને પાઉન્ડ અને એલિયટના ડેન્ટિ પરના નિબંધો વાંચવાની ભલામણ છે. આ વિવેચકોએ ડેન્ટિની કાવ્યપ્રતિભાનું રહસ્ય બે જ શબ્દોમાં સમજાવ્યું છે : idea in image.

‘મન મારું......પ્રેમને સન્નિવેશે.'
આગળ કહ્યું તેમ કાવ્ય એટલે એક ‘હું’ માંથી બીજા બૃહત્તર, મહત્તર, ગભીરતર, વિશાલતર ‘હું’ માં પરિવર્તન, કાવ્ય એટલે ‘હું’ ની યાત્રા. જે પંથ પર આ યાત્રા થાય છે તે પંથ છે પ્રેમનો. કવિના આત્મલક્ષી ભાવનો પરલક્ષી પ્રતીકો સાથેનો સંયોગ પ્રેમ દ્વારા જ સંધાય છે. પ્રેમ એ ‘કેટેલીસ્ટ’ છે, સંવાદનું તત્વ છે, રસાયણ છે. એ દ્વારા કવિનું આંતરજગત અને બહિર્જગત એકરસ, એકરૂપ એકાકાર, ઓતપ્રોત થાય છે. પ્રેમ દ્વારા જ અભેદ, અભિન્નતા, એકત્વ, તદ્રૂપતા, તાદાત્મ્ય શક્ય છે. આ પ્રેમના મંત્રથી જ એક ‘હું’ એટલે કે કવિનું બીજા ‘હું’ એટલે કે કાવ્યમાં પરિવર્તન થાય છે.

‘પંથ નહિ...મુજ બેડી !’
કવિને કોઈ વાડો નથી, વળગાડ નથી, રસસમાધિ એ પણ ‘સહજ સમાધિ' છે. એથી જ કવિને કોઈ ‘સ્કીમ', ‘સ્ટ્રેટેજી’, ‘પ્લેન’ કે ‘પ્રોગ્રામ' નથી. એનું તો હોય છે મુગ્ધ અને મુક્ત ભ્રમણ. કવિને મન પ્રત્યેક ક્ષણ સ્વયંપર્યાપ્ત છે એટલે કે સનાતન છે. ક્ષણે ક્ષણનું આગવું સૌદર્ય એ અનુભવે છે. એટલે તો એ વિરોધોને, વિસંવાદને પણ વહાલથી સ્વીકારે છે, કારણ કે એની વચમાં જ સંવાદ પ્રગટાવવાનું એના પ્રેમમાં સામર્થ્ય છે. આત્મવિરોધ એ તો કવિનો જન્મસિદ્ધ અધિકાર છે (Self contradiction is poets birthright). નકલી કવિ જગતને ન્યાય તોલે છે, નર્યો કવિ જગતને માત્ર નિહાળે છે. કવિની યાત્રા નિરુદ્દેશ છે, એનું ભ્રમણ મુગ્ધ છે, એથી એની વીણા પ્રસન્ન છે, એ બ્રહ્માનંદ સહોદર જેવો કાવ્યાનંદ અનુભવે છે. કાવ્ય અનુભવે છે. કાવ્ય અને આનંદ એકમેકના પર્યાયો છે.

‘હું જ રહું વિલસી...હું જ રહું અવશેષે’
કાવ્ય એટલે વ્યક્તિત્વના વિલોપન દ્વારા વ્યક્તિત્વનો વિસ્તાર અને વિકાસ. કવિ એની જાતને જગતમાં ખોઈ દે છે એટલે કે એ સહુ સંગ વિલસી રહે છે. આત્મવિલોપન વિના આમ વિલસવું અશક્ય છે. કીટ્સ એના એક પત્રમાં આ પ્રક્રિયાને Negative capability કહે છે. પણ પછી આ પ્રક્રિયા દ્વારા જ એ જાતને ખોળી લે છે. એટલે કે અવશેષમાં પોતે જ રહે છે. ‘હું એ હું કાઢ્યો ખોળી' એ કાવ્યનો અનુભવ છે. પ્રેમ દ્વારા ‘હું’ ના વિલોપન દ્વારા બહિર્જગત સાથે કવિ એના આંતરજગતનો સંયોગ સાધે છે. પરિણામે કાવ્ય જન્મે છે, અને એ કાવ્ય દ્વારા જ પાછો એ ‘હું’ ને પામે છે. ક્ષણે ક્ષણે મૃત્યુ અને અવરિત પુનર્જન્મની પ્રક્રિયા એટલે કાવ્ય. પ્રત્યેક કાવ્યના ગર્ભમાંથી નવજન્મ પામીને કવિ પ્રગટ થાય છે. કાવ્ય એટલે આત્મવિલોપન દ્વારા આત્મસાક્ષાત્કાર અથવા તો એકી સાથે આત્મવિલોપન અને આત્મસાક્ષાત્કાર.
* * *


0 comments


Leave comment