2.2 - કાવ્ય. ૨-૭ ‘તમસો મા......’ થી ‘હે દીપજ્યોતિ......’ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


આ છ કાવ્યોમાં વસ્તુનું સામ્ય છે. પ્રકાશમાં નહીં પણ અંધકારમાં થતા રહસ્યના દર્શનનું એમાં કથન છે. આગળ કહ્યું ને કે આત્મવિરોધ એ કવિનો જન્મસિદ્ધ અધિકાર છે ! ‘નિરુદ્દેશે' કહીને પછી તરત જ કવિ સંસારના અનુભવોના રહસ્યનું, વાસ્તવથી પર અને પારના પ્રદેશનું દર્શન કરવાનો ઉદ્દેશ સેવે છે.

જીવનસરમાં દ્રષ્ટિનું પદ્મ ઊગ્યું છે પણ એના સરવ દલને અંધારનો ભાર અને કારમો બંધ લાગ્યો છે અને નેણ દર્શનાત્કંઠ છે એટલે પ્રાર્થે છે. ‘વીંધી તિમિર શરથી અંશુનાં, આવો કાંત.... આવો હે સૂર્ય ! આવો મખમલ પગલે....'

વળી પૂછે છે : ‘કને નવ શું માહરી ?’ બધું જ છે, માનવ, પ્રકૃતિ અને બ્રહ્માંડનો અનુભવ છે, પણ એ અનુભવના રહસ્યના દર્શન વિના ક્યારેક બધું જ નિરર્થક લાગે છે. ‘કને સકલ માહરી... રહસ્ય વિણ એકલો ક્વચિત ઝૂરતો તો ય રે.’ પણ દ્રષ્ટિના પદ્મની આસપાસ જેનો કારમો બંધ છે તે અંધકારમાં જ કવિને રહસ્યનું દર્શન થાય છે. પણ તે કેવું રહસ્ય ? અમિત કરુણાથી ભરેલું, નિરાળું.

આમ, અંધારું જ્યા ખડક સમ દુર્ભેદ્ય ત્યાં તેજનો શો ઉઘાડ થાય છે ! અને નયન કીધ જ્યાં બંધ ત્યાં રૂપહીન ન્યાળ્યો અંભોધિને તેજ-પુંજે. કવિએ તેજના અંભોધિને રૂપહીન કહ્યો કારણ કે અંધારનાં અનેક રૂપ જોયાં છે. ઘડીકમાં ‘કા ના એને નથી તદપિ શો ભાર અંધારનો છે’ તો ઘડીકમાં ‘એને સીમા નથી અતલ ઊંડાણ એનાં કશાં રે.’ તો વળી ઘડીકમાં ‘અંધારું જ્યાં ખડક સમ દુર્ભેદ્ય.’ અહીં કહ્યું છે ‘કાયા એને નથી’ અને છતાંય પૃ. ૭૫ પર ‘તિમિર ઘુંમટના ઝળુંબે' અને પૃ. ૭૮ પર ‘અરવ પગલે ઊતરે અંધકાર એમ પણ કહ્યું છે. આવા અંધકારમાં કવિનાં નયન જે રહસ્ય ન્યાળે છે તે સાચે જ નિરાળું નહીં તો અમિત કરુણાથી ભરેલું તો છે જ અને કવિ પૂરતું નિરાળું પણ છે એ રહસ્ય છે :
‘મેં સંધિકાળ દીઠ આવત ને જનારનો
આનંદનો કરુણ-વિહ્વલ ક્રન્દના તણો :
મેં સંધિકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ
મેળો થતો જ્યહીં નિરંતર જન્મ-મૃત્યુનો.

આમ, કવિને વિરોધોની વચમાં વસતા સંવાદના રહસ્યનું દર્શન થાય છે. ‘ન્યારાં છે પાત્ર (કુસુમ અને ભ્રમર) તો યે અદીઠ વહી રહ્યો તંતુ શો એકતાનો.’ આવત ને જનારનો, આનંદ ને ક્રન્દનાનો, જન્મ અને મૃત્યુનો અને અનેક વિરોધોનો સંધિકાળ. સંવાદ એ છે કવિનું નિરાળું અમિત કરુણાથી ભરેલું રહસ્ય.
* * *


0 comments


Leave comment