2.4 - કાવ્ય. ૧૨ ‘ને એજ તું ?’ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


‘પ્રલમ્બ તવ પુચ્છની ઝપટ માત્રથી ઢાળતો'
આ પંક્તિમાં બલવંતા ‘પૃથ્વી’ની શક્તિનો પરિચય થાય છે. પુચ્છની જેમ ‘પૃથ્વી'ની પણ ઝપટ વાગે છે.

(ગુંજરતો વહ્યો ધ્વનિ
તરંગ-આવૃત્ત અનંત શાંતિમાં')
આ પંક્તિઓ કવિએ કૌંસમાં એટલે કે કાનમાં કહી છે અને છે પણ એમ જ કહેવા જેવી. ધ્વનિ એટલે આ સંગ્રહ અંત તો અનંત શાંતિમાં જ શમવાનો છે (ને શું નથી શમવાનું ?) આથી જ શું કવિએ આરંભમાં કહ્યું હશે કે નિરુદ્દેશે' ? ભલે અંત અનંત શાંતિમાં આ ‘ધ્વનિ’ વહેવાનો હોય પણ તે પહેલાં તે શાંતિને તરંગ-આવૃત્ત તો કરશે ને ? અને ગુંજરતો વહેશે ને ? બસ, તો તો અમે રસિકજનો ન્યાલ થઈ ગયા.

આ એક જ પંક્તિથી આ કવિની સમગ્ર શબ્દશક્તિનો ક્યાસ કાઢી શકાય કારણ કે આ પંક્તિમાં કવિએ શબ્દોનો પૂરો કસ કાઢ્યો છે. આ પંક્તિના ઉપજાતિનું સૌંદર્ય ન્હાનાલાલની ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ' એ પંક્તિના વસંતતિલકાના સૌંદર્યનું સ્મરણ કરાવે છે. સમસ્ત આધુનિક કવિતામાં શબ્દની શક્તિનો આવો પરિચય, શબ્દના સૌન્દર્યની આવી પરખ, શબ્દના સંગીતની આવી સુક્ષ્મ સમજ વિરલ છે. શબ્દના ધ્વનિ-સ્થૂલ અને સૂક્ષ્મ બન્નેની આ સૂઝ આ સંગ્રહનું નામ સાર્થક કરે છે. આ પંક્તિમાં અર્થ અને વાણીનો પૂર્ણ યોગ થયો છે જે અર્થ પ્રગટ કરવા અહીં શબ્દો યોજ્યા છે એ એવા શબ્દો છે કે એમના ધ્વનિ-ઉચ્ચાર માત્રથી એ અર્થ પ્રગટ થાય છે, જોડણીકોશમાં શબ્દોનો અર્થ જોવાની જરૂર જ નથી રહેતી. ‘ગુંજરતો વહ્યો ધ્વનિ’ ક્યાં વહ્યો ? અનંત શાંતિમાં. આ શાંતિ તે કઈ ? આ પંક્તિનો પાઠ કરી રહ્યા પછી જે પ્રગટ થાય છે તે શાંતિ અને આ ધ્વનિ તે કયો? આ પંક્તિનો પાઠ કરતાં કરતાં જે પ્રગટ થાય છે તે ધ્વનિ. વળી આ શાંતિ તે કેવી ? તરંગ-આવૃત્ત. આ પંક્તિનો પાઠ કરતાં પહેલાં જે શાંતિ હતી તે આ પંક્તિનો પાઠ કરતાં સ્વાભાવિક જ તરંગ-આવૃત્ત થાય છે. આટલું તો જાણે સમજ્યા, પણ કવિએ ઇલમ તો એ અજમાવ્યો છે કે આ પંક્તિમાં જે શબ્દો યોજાયા છે એથી આ તરંગો પ્રત્યક્ષ થાય છે. કવિની આ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. આ કારણે જ કવિ સાચી રીતે સૌંદર્યનો ઉપાસક છે. કીટ્સ જેવા કવિઓમાં શબ્દોની જે મદલોલ મસ્તી, શબ્દોનું જે સૌંદર્ય, શબ્દોનું જે જાદુ (word-magic) છે; અને પ્રો. ઠાકોર જેને શબ્દોનો અર્થાનુસાર લય કહે છે તે આ પંક્તિમાં છે. ચાર શબ્દોની આ એક પંક્તિમાં પ્રત્યેક શબ્દમાં એક ‘ત’ અને એક જોડાક્ષર એટલે કે એક જ પંક્તિમાં ચાર ‘ત’ અને સાત જોડાક્ષરનો (અને સાત શબ્દોની દોઢ પંક્તિમાં પાંચ ‘ત’ અને ચાર જોડાક્ષરનો) ઉપયોગ થયો છે એથી એનો પાઠ કરતાં ચાર વાર અલ્પ વિરામ લેવો પડે છે. એટલે કે ચાર વાર ખચકા લાગે છે, કાન પર ચાર વાર તરંગો અથડાય છે, એટલે કે તરંગો પ્રત્યક્ષ થાય છે. મેથ્યુ આર્નોલ્ડની કાવ્ય-પરીક્ષણ પદ્ધતિ પ્રમાણે જો એક જ પંક્તિથી આ કવિની સમગ્ર કાવ્ય-પ્રતિભાનો ક્યાસ કાઢવો હોય તો આ પંક્તિથી વધુ યોગ્ય એવી પંક્તિ સારા યે સંગ્રહમાં ભાગ્યે જ હશે.
* * *


0 comments


Leave comment