2.5 - કાવ્ય. ૧૪ આયુષ્યના અવશેષે / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


આ સંગ્રહની સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી કૃતિ છે. આધુનિક ગુજરાતી કવિતાની એક સિદ્ધિ છે. વળી આ કવિની અત્યંત લાક્ષણિક અને પ્રતિનિધિત્વ ધરાવતી કૃતિ છે.

એના ભાવ, વિચાર અને વસ્તુ, વિકાસ, સંકલના અને સ્વરૂપ; ચિત્રો ઉપમાઓ અને સુશ્લિષ્ટ સુગ્રથિત એકતાને કારણે આ કાવ્ય કલાકૃતિના નામનું અધિકારી છે. આ કાવ્ય વિષે પ્રા. ઠાકોર સાથે જે વાર્તાલાપ થયો હતો તે કાવ્યના રસાસ્વાદને ઉપકારક હોવાથી અહીં ઉતાર્યો છે.

૧૯૫૦ માં પ્રો. ઠાકોરને આ કાવ્ય વંચાવ્યું, હીંચકે બેઠા બેઠા વાંચતા જાય ને ડોલતા જાય. એટલો એમાં એમનો રસ અને આનંદ. કવિતા પ્રો. ઠાકોરને ડોલાવી શકતી. વાંચી રહ્યા પછી કહે : ‘રેશમના પટ પર કીનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે. ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રએ આબાદ પકડ્યો છે.’ પછી કાવ્યના સોનેટ-સ્વરૂપ, ચિત્રો, ઉપમાઓ વગેરે વિષે ચર્ચા ચાલી, વચમાં મેં એમને એમ સૂચવ્યું કે આપણા એક કવિ-વિવેચકનો એવો મત છે કે ‘આયુષ્યના અવશેષે’માં રાજેન્દ્રએ ‘જૂનું પિયરઘર'નો તંતુ આગળ ચલાવ્યો છે. (વાચકોને પ્રો. ઠાકોરના ‘ભણકાર’ માં ‘પ્રેમનો દિવસ'નું એક સોનેટ ‘જૂનું પિયરઘર’ વાંચવા અને આ કાવ્ય સાથે સરખાવવા ભલામણ છે.) તરત જ પ્રો. ઠાકોર કહે, 'Mine is a psychological absurdity while Rajendra has remained: i thin the range of his experience. Nothing more could be said in such a short span.' [મારું કાવ્ય તો એક કાલ્પનિક બુટ્ટો છે જ્યારે રાજેન્દ્ર તો એમના વાસ્તવિક અનુભવની મર્યાદામાં રહ્યા છે અને એમણે જે કહ્યું છે એથી વિશેષ કશુંય આટલી (૭૦ લીટીની) મર્યાદામાં રહીને કહી શકાય એમ જ નથી.] પોતાને સવાયા લાડકા એવા સૉનેટ-પ્રકારમાં વસ્તુ અને સ્વરૂપની આવી સિદ્ધિના દર્શનથી પ્રો. ઠાકોરને જે હરખ થયો હશે તે આ વાર્તાલાપમાં એમના ઉદ્દગારો પરથી કલ્પી શકાય છે.

‘ઘરભણી' માં ડમણી, ચીલો, તમિસ્ત્ર, ઘુઘરી (એનો રણકાર), ઠંડી, સમીર, દીવડો, સીમા, પંખી, તારા વ. ઝીણી ઝીણી વીગતોથી ભર્યું ભર્યું એક સુરેખ ચિત્ર પરોઢના વાતાવરણને કેવી સરળતાથી સજીવ કરે છે અને ‘આયુષ્યના અવશેષે’ ‘ઘર ભણી' જતા પાત્રના મનોગતને કેવી સહાનુભૂતિથી પ્રગટ કરે છે.

‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની’
જીવનના એક ગહન દર્શનમાં અંત પામતી કૃતિની આરંભની પંક્તિ કેટલી તો સાદી, સામાન્ય, સ્વાભાવિક અને વાસ્તવિક છે ! આ ડમણી કાવ્ય સમગ્રના સંદર્ભમાં, એકવાર આખું કાવ્ય વાંચ્યા પછી ફરી વાંચતાં, જાણે કે નાયકના ચિત્તનું આબેહૂબ પ્રતિક (Symbol) બની રહે છે. જે ડમણીમાં પોતે બેઠો છે તે ડમણીની જેમ એનું ચિત્ત પણ આખા કાવ્ય દરમ્યાન અનેક સ્મરણોથી ખખડ થતું અને કાળના વાંકાચૂકા ચીલાઓ પર ખોડંગાતું રહે છે. વળી ડમણી પણ એના વયને અનુરૂપ એવી ‘જૂની' છે. આયુષ્યના અવશેષે આવી પહોંચેલા પાત્રનો જીવનપથ પણ લગભગ વિજન જેવો છે અને કોનું ભવિષ્ય ઘન તમિસ્ત્ર જેવું નથી ? વળી તમિસ્ત્રમાંથી રહસ્યદર્શન લાધે છે એમ કવિએ આગળ કહ્યું છે. આ કાવ્યને અંતે ‘દર્શન' લાધે છે તે આ તમિસ્રમાંથી પસાર થયા પછી. આમ પ્રથમ પંક્તિમાં જ કવિએ સંગ્રહનું નામ સાર્થ કર્યું છે, ‘ડમણી’નો બેવડો અર્થ સૂચવીને એક અર્થ તદ્દન વાસ્તવિક અને બીજો અત્યંત ધ્વનિમય અને કાવ્યમય.

વળી પંથ વિજન છે અને તમિસ્ત્ર ઘન છે અને ડમણી ચીલે ચીલે જાય છે એટલે એના અવાજનું અને એની હાલકડોલક ગતિનું તીવ્ર ભાન થાય જ. ‘ખખડ થતી’ શબ્દોથી ડમણીનો અવાજ અને ‘ખોડ-ગાતી' (શબ્દના ઉચ્ચારમાં વચમાં વિરામ અનિવાર્ય છે) શબ્દથી એની હાલકડોલક ગતિ પ્રત્યક્ષ થાય છે. વળી ડમણીની ગતિ વેગીલી હોય (સીધા ચીલા પર) ત્યારે ખોડંગાય, આ વેગીલી ગતિ ‘ખખડ થતી’માં એક સાથે પાંચ લઘુ અક્ષરોથી અને મંદ ગતિ ‘ખોડંગાતી’માં એક સાથે ચાર ગુરુ અક્ષરોથી સ્પષ્ટ થાય છે.

‘સ્વપન મધુરી..... મીઠા રણકારથી'
આ અંજન સાચે જ મીઠા રણકારથી ધોરીની ઘુઘરી ભરતી હશે કે પછી અનેક આછા ઘેરા ભણકારથી ભર્યો ભર્યો ભૂતકાળ ભરતો હશે ?

‘ચરમ પ્રહરે...... પ્રસરી રહી'
સ્મૃતિદુ:ખનો આમ તો ઉપમા રૂપે જ ઉલ્લેખ થયો લાગે છે. પણ ઉપમા દ્વારા અત્યંત ધ્વનિપૂર્ણ રીતે અહી છાની છતી થાય છે, રહસ્ય પ્રગટ થાય છે. નાયકના મનમાં સ્મૃતિદુ:ખ વ્યાપી વળ્યું છે.

‘લઘુક દીવડે....પડખું ફરી'
કવિએ અહીં એક અદભુત, જીવંત અને ગતિશીલ (dynamic) ચિત્ર આંક્યું છે. એથી ડમણીની ગતિ વધુ પ્રત્યક્ષ થાય છે.

આટલા પરથી સ્પષ્ટ થાય છે કે કવિએ નાયકના ભાવને અનુકૂળ, એના ચિત્તની સ્થિતિને અનુરૂપ એવા પદાર્થો પ્રતીકોનો ઉપયોગ કર્યો છે અને એ દ્વારા આંતરજગત અને બહિર્જગતનો સુભગ સંયોગ કર્યો છે. એક સ્થિતિમાંથી, એક સૃષ્ટિમાંથી વિદાય અને બીજી સ્થિતિમાં, બીજી સૃષ્ટિમાં પ્રવેશની વચ્ચે સંક્રાંતિકાળનું સુરેખ નિરૂપણ આ સોનેટમાં છે.

‘પ્રવેશ'માં ધુમ્મસ, ઉજેશ, મોટેરા, વહુવારુઓ, બાળકો, શ્વાન, તાળા, દ્વાર, હવા, પાત્રો વ. ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરનારની મનોદશા અને એની નજરે જેનું દર્શન થાય છે તે દૃશ્ય તાર્દશ કરે છે.

‘ત્યહીં ધુમસથી.... દિશા અનુકંપને'
ભર્યા ઘરની યાદ લઈને સૂના ઘરમાં પ્રવેશનાર, એના રજોમય આંગણે આયુષ્યના અવશેષની લઘુક ગઠડી મૂકનારના ભીતરમાં પણ બહારની જેમ જ વિષણ્ણ ઉજેશની ટશર લાગે છે અને તે ઉજેશ પણ ધુમ્મસે છાએલો જ હોય છે. (આમ ‘ગગન' એટલે ચિત્તરૂપી ગગન એવો ધ્વનિ અહીં સ્પષ્ટ છે.) વળી દિશાએ દિશામાં આવા પાત્ર પ્રત્યે અનુકંપા ન જાગે તો જ નવાઈ ! આખું ગગન અને બધી દિશાઓ, ચોમેરની પ્રકૃતિને કવિએ અનુકંપા અનુભવતી વર્ણવી છે. વર્ષો પછી ઘરે પાછા ફરતા મનુષ્યના ઉરમાં ઉંબર ઓળંગતાં જ ઉઘાડ થાય અને એ જ ક્ષણે પૂર્વગગનમાં ઉષાનો ઉઘાડ થાય એનો અર્થ એ જ કે ફરીને આ સોનેટમાં પણ કવિએ હૃદયનો ભાવ અને પ્રકૃતિ વચ્ચે અનુકંપા દ્વારા સુમેળ સ્થાપ્યો છે.

‘ખબર પૂછતાં.... નિજ મોચન’
મોટેરાં, વહુવારુઓ, બાળકો અને શ્વાન એ સૌ પરિચિત અને અપરચિત જીવોનો આ ઉલ્લેખ, એમના વર્તનનું, આ ઝીણી વીગતનો વર્ણન માનવરસથી તરબોળ છે. એ કેટલી ઉષ્માથી ધબકે છે!

તાળાં ઊઘડ્યાં તે દ્વારના મુખથી જ માત્ર ઊઘડ્યાં છે ! ક્રન્દન કર્યું તે દ્વારે જ માત્ર કર્યું છે ? અચલ સ્થિતિમાં જડાઈ ગયાં હતાં તે દ્વારનાં જ ગાત્રો માત્ર જડાઈ ગયા હતા ? ભીતરથી હવા ધસી તેમ નાયકના ભીતરમાંથી સ્મૃતિ પણ તક લાધતાં નથી ધસી શું ? અને હવાની જેમ એ સ્મૃતિ પણ ભીની વાસી અને હવે જ જેણે નિજ મોચન લહ્યું એવા પ્રેત જેવી નથી શું ?

‘કિરણ પરશે.... નિરખ્યાં ફરી'
સુદુર, અગમ્ય, અનંત સૃષ્ટિમાં, કર્મોની પ્રફુલ્લિત સુષ્ટિમાં આયુષ્યભર ભ્રમણ કરતા અસામાન્ય મનુષ્યને પણ ખાટ, પરસાળ, વલોણું, સીકું, મેડી વ. ‘જૂના’ અને અત્યંત સામાન્ય પાત્રોનું કેવું અજબ આકર્ષણ હોય છે ! ગમે તેવા મનુષ્યનો ઉત્કટમાં ઉત્કટ જીવનરસ આવા પાત્રોમાં જ પર્યાપ્ત હોય છે.

‘સ્વજનોની સ્મૃતિ’માં આ પાત્રો અને પિતાજી, મા, પ્રિયતમા વગેરે સ્વજનોનો હૃદયના અત્યંત ભાવોદ્રેકથી ઋણસ્વીકાર કર્યો છે. ‘સીકું વિના દધિ ઝૂરતું.’ ‘મેડી જોને કશી વલખી રહી’ ‘ગગન ઝીલતી જાળી જાળા થકી અવ આંધળી’ જેવાં વર્ણનોમાં હૃદય કેવું ઠાલવ્યું છે ! ભાવ કેવો ઠાંસોઠાંસ ભર્યો છે !

‘પરિવર્તન'માં અત્યાર લગીનાં ત્રણ સૉનેટનો વિચાર વળાંક લે છે. જેમાં ૧૪ પંક્તિના એક સ્વતંત્ર સોનેટમાં ૮મી પંક્તિ પછી વિચાર વળાંક લે છે તેમ ૫ સૉનેટના ગુચ્છમાં ૩જા સૉનેટ પછી વિચાર આમ વળાંક લે છે એથી કવિએ પ્રમાણભાન, ઔચિત્ય સાચવ્યું છે એ સ્પષ્ટ થાય છે. કવિને સોનેટ-સ્વરૂપની સૂઝ છે એની પ્રતીતિ થાય છે. આ સોનેટમાં ઝરૂખાનું, એ ઝરૂખામાંથી ચીલાના દર્શનનું અને એ દર્શનથી હૃદયમાં જાગ્રત થતા તલસાટના ભાવનું કથન કેવી સુંદર કાવ્યમય અને સુરંગીન કલ્પનાપ્રચૂર ‘જેની અપૂર્ણ કથા તણા ધુમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના’ એવી પંક્તિથી વિરમે છે! વર્તમાનની સ્થિતિ અને ગતની સ્મૃતિ માટે બીન અને સ્વરની કેવી ઉપમા યોજી છે !

અત્યાર લગીની ગતિ ભવિષ્યકાળમાં હતી (અલબત્ત, એમાં ભૂતકાળની સ્મૃતિ સામેલ હતી) પણ જેમ મેડીના દર્શનથી યૌવન તેમ ઝરૂખાના દર્શનથી શૈશવનું સ્મરણ થતાં ગતિ ભૂતકાળમાં થાય છે. અને ‘અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાંત નિમજ્જન' પછી અંતના સોનેટ ‘જીવનવિલય'માં ગતિ એકી સાથે ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં થાય છે, વર્તમાનની ક્ષણમાં ભૂતકાળ અને ભવિષ્યકાળનો સમન્વય અથવા વિલય થાય છે. નાયક કાળથી પર થાય છે, એનું હૃદયના શૂન્યે પ્રશાંત નિમજ્જન લાધે છે. આજ લગીનું એનું આયુષ્ય, શૈશવ, યૌવન અને વાર્ધક્યમાં ખંડિત નહીં પણ અખંડિત લાગે છે. આદિ અને અંત વિનાના, નિજાનંદે રૂપની રમણામાં ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા કોઈ ચિરંતન તત્વનું એ દર્શન કરે છે; અને તે પણ હવે જ જે શક્ય છે તે રીતે અલિપ્ત રહીને, કાળથી પર થયા પછી, આઘે રહીને. આ ગહન દર્શન કવિએ શબ્દ અને ધ્વનિ તથા બીજ અને પર્ણની સર્વાંગસુંદર અને સર્વથા સમુચિત ઉપમાઓ દ્વારા કાવ્યના એક અનિવાર્ય અને આંતરિક અંશ રૂપે, કાવ્યના સારતત્ત્વ રૂપે નહીં પણ દર્શનના કાવ્યતત્ત્વ રૂપે પ્રગટ કર્યું છે એમાં કવિની કવિ લેખે સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. કાવ્યની પરાકાષ્ઠા પણ ‘નિધિ', ‘મોજું' અને ‘ઘનવર્ષણ’ એવાં ઉચિત પ્રતીકો દ્વારા જ સિદ્ધ કરી છે. (આ કાવ્યની અંતિમ પંક્તિ પ્રથમ કાવ્યની ‘નિરુદ્દેશે’ની અંતિમ પંક્તિનું જ અભિનવ સ્વરૂપ છે.) આમ આ કાવ્યમાં ચિંતન અને રસ એકબીજાથી અલગ ન પાડી શકાય એટલા ઓતપ્રોત છે, તાણાવાણાની પેઠે વણાઈ ગયા છે. એથી જ આ કાવ્ય એ સઘન રસથી ભરપૂર એવી એક વજનદાર કલાકૃતિ છે.

આ કાવ્યના વાહનરૂપે કવિએ હરિણી છંદ યોજ્યો છે. પ્રો. ઠાકોરે એ વિષે જે કહ્યું હતું એનો આગળ ઉલ્લેખ થયો છે. ‘ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રએ ખાબાદ પકડ્યો છે.’ ઘરડા માણસના મનમાં સહસા સ્મરણ જાગે છે. ઓચિંતી જ ભૂતકાળની યાદ આવે છે. આ વેગીલી ક્રિયા હરિણીના પહેલા ઘટકમાં, લલલલલગામાં, પાંચ લઘુ અક્ષરો એક સાથે આવતાં જે દ્રુત લય પ્રગટ થાય છે એથી સૂચવાય છે.

સહસા જાગતાં સ્મરણ, ઓચિંતી આવતી યાદ ઘરડા માણસનું મન માણવાને રોકાય છે અથવા તો ઘરડા માણસનો ભૂતકાળ અતિશય લાંબો હોવાથી એક સાથે અસંખ્ય સ્મરણ, યાદ ટોળે વળે છે અથવા તો ઘરડા માણસનું મન નબળું હોય છે એથી સહસા સ્મરણ જાગે, એક ઓચિંતી યાદ આવે ને તરત અદૃશ્ય થાય છે, ગમે તે કારણે પણ પેલી વેગીલી ક્રિયામાં મંદતા આવે છે. આ મંદ ક્રિયા હરિણીના બીજા ધટકમાં, ગાગાગાગામાં ચાર ગુરુ અક્ષરો એક સાથે આવતાં જે વિલંબિત લય પ્રગટ થાય છે એથી સૂચવાય છે અને અંત ઘરડા માણસના મનમાં આ વેગીલી અને મંદ ક્રિયાના મિશ્રણના પરિણામ રૂપ જે એક ક્રિયા ચાલે છે તે હરિણીના ત્રીજા ઘટકમાં લગાલલગાલગામાં લઘુ અને ગુરુ અક્ષરોનું મિશ્રણ થતાં જે દ્રુત વિલંબિત લય પ્રગટ થાય છે એથી સૂચવાય છે.

વળી હરિણી છંદના પહેલા ઘટકમાં, લલલલલગામાં દ્રુત લય બીજા ઘટકમાં, ગાગાગાગામાં વિલંબિત લય; અને ત્રીજા ઘટકમાં લગાલલગાલગામાં દ્રુત અને વિલંબિત લયનું મિશ્રણ – છંદના લયનો આ વિકાસ કાવ્યના વસ્તુના વિકાસનું આબેહૂબ પ્રતિબિંબ પાડે છે. છંદમાં બે વિસંવાદી લય અને અંત એનો સંવાદ છે તેમ કાવ્યના વસ્તુમાં પણ વર્તમાનની ક્ષણ, કાવ્યના આ ઉદ્ગારની ક્ષણ પછીના આયુષ્યના અવશેષનો, ભવિષ્યકાળનો તથા તે પહેલાંનાં શૈશવ અને યૌવનનો, ભૂતકાળનો વિસંવાદ અને અંત એમાંથી જન્મતો સંવાદ છે. આમ કાવ્ય સમગ્રનો અર્થ એના વસ્તુનો વિકાસ, એના વસ્તુની સંકલના છંદના લયમાંથી જ પ્રગટ થાય છે. એટલે કે કાવ્યનાં વસ્તુ અને સ્વરૂપમાં સંપૂર્ણ સંવાદ છે જે કવિની સૌંદર્યદૃષ્ટિનો દ્યોતક છે.
* * *


0 comments


Leave comment