2.6 - કાવ્ય. ૧૫ શેષ અભિસાર / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / નિર્દેશક - નિરંજન ભગત


આ કાવ્ય પણ સંગ્રહની એક મહત્ત્વની કૃતિ છે. મૃત્યુના મિલનનું આ કાવ્ય છે, પૃ. ૧૮ પર જીવનના અનુભવનું રહસ્યદર્શન કરતાં કવિએ કહ્યું છે. “મેં સંધિકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ, મેળો થતો જ્યહિં નિરંતર જન્મ-મૃત્યુનો.” જેમાં “સાદ્યંત જીવનનો જય ગર્જે’ છે એવા ‘આયુષ્યના અવશેષે' પછી તરત જ જેમાં મૃત્યુના મિલનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે એવા ‘શેષ અભિસાર’ નો ક્રમ કવિએ રચ્યો છે એમાં પણ પેલા જન્મ-મૃત્યુનો મેળો થયો છે.

આરંભમાં જ મૃત્યુની વેગીલી ગતિનું પ્રાણવાન વર્ણન અને મૃત્યુની રહસ્યમય આકૃતિનું રમણીય ચિત્ર કવિએ આપ્યું છે. ‘ચૂપ હો'થી શાંતિનો અનુરોધ કરતી મરનાર સ્ત્રીની મૃત્યુ પ્રત્યેની લાગણી – ‘લ્હેરાતો અંચળો એણે ઓઢયો ભ્રૂરેખ ઢાંકતો : લોચનો પ્રેમીનાં જાણે ઝગે છે શુક્રની જ્યમ’ જેવી સુરેખ પંક્તિઓ દ્વારા વ્યક્ત કરી આપી છે. સ્ત્રીની માંગલ્યની ઘડી માટેની આતુરતા, અધીરાઈ, મૃત્યુના મિલનની ઉત્કંઠા, લગ્નની ક્ષણની ઉત્સુકતા વ. મૃત્યુની પ્રેયસીના પ્રેમના વૈભવને વ્યક્ત કરતી લલિતમધુર વાણી દ્વારા અને વચમાં અનુષ્ટુપ છંદના ખંડકો દ્વારા કવિએ વહાવી છે.

‘કિંતુ શાને રે શ્વાન...ખમ્મા ય એહને....'
મૃત્યુ સમયે શ્વાનના રુદન વિશેના પ્રચલિત વહેમનો અહીં કવિએ કેવો કાવ્યમય ઉપયોગ કર્યો છે ! આવી લોકમાન્યતા પાસેથી પણ કવિતાનું કામ કવિએ કઢાવી લીધું છે. એને પણ કાવ્યની સામગ્રી રૂપે યોજી છે. સર્વસમર્પણ, વિસર્જન સમયે, માંગલ્યની ઘડીએ, લગ્નની ક્ષણે આ રુદન વિક્ષેપરૂપ લાગે છે, વિલંબકારી લાગે છે, અસહ્ય લાગે છે. એટલે તો આ પ્રશ્ન પૂછવો પડ્યો છે. આ પ્રશ્ન દ્વારા સ્ત્રીની મૃત્યુના મિલન માટેની તલસાટની માત્રા વધારી મૂકી છે. શેષાભિસારના નૃત્યના તાલમાં ભંગ પડાવવા મથતા ધર્મરાજના અંતિમ સાથીના આ પિતૃદ્રોહી વંશજ પ્રત્યે પણ સ્ત્રી કેટલું હેત પ્રગટ કરે છે ! એને પણ ક્ષમા કરી શકે એવી ઉદારતાથી એનું હૃદય ભર્યુંભર્યું છે. આ ક્ષમાવૃત્તિ પ્રગટાવીને કવિએ મૃત્યુનો મહિમા જ ગાયો છે. જે વિક્ષેપરૂપ છે, વિલંબકારી છે, અસહ્ય છે એને પણ ક્ષમા આપવી એવી સ્ત્રીના હૃદયની આ વિશાલતાનું, એના આ વિકાસનું કારણ મૃત્યુ જ છે. મૃત્યુ સમયે મનુષ્ય સૌથી વધુ ઉદાર હોય છે. મૃત્યુના પવિત્ર સાન્નિધ્યમાં મનુષ્ય શું માફ નથી કરતો? વળી આ ક્ષમા એ સ્ત્રીના અનહદ આનંદનું, એની પરમ શાંતિ (મૃત્યુના મિલનની પ્રતીક્ષાને કારણે)નું પરિણામ છે. જેણે આનંદ અને શાંતિ નથી અનુભવ્યાં તે શું માફ કરવાનો હતો ? આમ, શ્વાનના રુદનના ઉલ્લેખ દ્વારા સ્ત્રીની અધીરાઈ, આનંદ અને શાંતિના અનુભવમાંથી જન્મતી ઉદારતા, ક્ષમા તથા મંગલકારી મૃત્યુનો મહિમા કવિએ વ્યક્ત કર્યો છે : એટલે કે એક પ્રચલિત વહેમનો પૂરો કાવ્યમય ઉપયોગ કર્યો છે.

‘અહો શી પગલી...ખર્યું, જાણે ખર્યું....'
સ્વજનોના ઉદ્ગારો દ્વારા મૃત્યુશૈયાની આસપાસનું વાતાવરણ કવિએ જીવંત કર્યું છે. મૃત્યુ સમયે ધીરે ધીરે શિથિલ થતા જતા દેહનું વર્ણન અને હવે ક્ષણમાં, અરધી ક્ષણમાં ક્યારે પ્રાણ દેહનો ત્યાગ કરશે, એ માટેની તંગ દશા (suspense) પીંપળાના પર્ણની ઉપમાને કારણે કેવી સફળ થઈ છે !

‘ના, ના, ગતિ શી... રે ગઈ ઢળી.'
૧ લું સ્વજન હજુ તો કહે ‘ખર્યું, જાણે ખર્યું' ત્યાં તરત જ ૨ જું સ્વજન ‘ના, ના' થી વિરોધ કરે છે, જાણે કે દેહને ત્યજીને ચાલ્યો ગયેલો પ્રાણ પાછો ફરે છે. જીવનનો ફરી સંચાર થાય છે તે ચપલા અને ઝંઝાની ઉપમાઓથી વ્યક્ત કર્યો છે. આમ, આ ઉદ્ગારો સ્વજનોનું વિસ્મય વધારી મૂકે છે અને વાતાવરણને વધુ ઉપસાવી આપે છે.

‘થીજેલું જલ પીગળી.... સ્વધા, સ્વધા !’
સ્વજનોના આ ઉદ્ગારો સ્ત્રીના મૃત્યુ સમયના છે. સ્ત્રી અને મૃત્યુના મિલનની સ્વજનો પરની અસર આ દ્વારા કવિએ વ્યક્ત કરી છે. એને માટે પણ કવિએ થીજેલા જલની અને મધુની ઉપમા યોજી છે. મૃત્યુમાં થતી જાગ્રતિની ક્રિયાની થીજેલા જલની પીગળવાની ક્રિયા સાથેની સરખામણી કેટલી ઉચિત છે. મૃતદેહની નીરવ શાંતતા, એનું અનિર્વચનીય સૌંદર્ય અને એનું પરમ પાવનકારી દર્શન આલિંગન, નેત્રો હોઠ વ. ના ઉલ્લેખથી કેવું સહાનુભૂતિપૂર્વક અત્યંત ઋજુ હૃદયે વ્યક્ત થયું છે.

‘આપણે ત્યાં જવું... વસ્ત્ર હો પરું'
મૃત્યુ એટલે મુક્તિ. વસ્ત્ર પણ એમાં બંધનરૂપ છે. અનેક કાવ્યોમાં જીવનના રહસ્યના દર્શનની જેમ આ એક જ પંક્તિ ‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું’ દ્વારા કવિએ મૃત્યુ એટલે મુક્તિ એવું મૃત્યુના રહસ્યનું કેવું અદ્ભુત સુંદર દર્શન કર્યું છે, એટલું જ નહિ કિંતુ મૃત્યુ પણ સહર્ષ સ્વીકારી લે એવી કાવ્યમય વાણીમાં કર્યું છે.

‘મારા શેષાભિસારની.... ડુસકૂં ત્યારે ?...’
જીવનની અંતિમ ક્ષણે સ્ત્રીનું આ અંતિમ શ્રવણ છે. ત્યાર પછી તો મૃત્યુ સિવાય એ કોઈની વાણી કાને ધરતી નથી. અંતિમ શ્રવણમાં ડૂસકું ? મૃત્યુ એ શોકનો નહિ, આનંદનો પ્રસંગ છે એથી આ આશ્ચર્ય થાય છે. આગળ શ્વાનના રુદનથી તેમ અહીં સ્વજનના ડૂસકાથી પ્રશ્ન થાય છે.

‘સ્પર્શનું વસ્ત્ર હો પરું.. તું ને હું’
મૃત્યુ એટલે સર્વ ઇન્દ્રિયોનો અને પોતાને સૌથી વધુ વહાલા એવા પ્રાણનો પણ ત્યાગ. આ સર્વત્યાગ પછી જ સાચો આત્મસાક્ષાત્કાર થાય છે. મૃત્યુ પછી જ સાચા જન્મ થાય છે. આનું નામ તે મરીને જીવવાનો મંત્ર. આથી જ સ્ત્રીએ પોતાના મૃત્યુની ક્ષણને ‘ધન્ય વેળા સુમંગલ' કહી.

‘શાંતિ હો ગતને...શાન્તિ હો...’
ત્રણ વાર ‘શાંતિ' શબ્દના ઉચ્ચાર સાથે, જેમ જીવનનો તેમ જ, કાવ્યનો અંત થાય છે. મૃત્યુ એટલે સાક્ષાત્ શાંત રસની મૂર્તિ. જીવનના સૌ રસો જેમાં વિરમે છે, એમનું જેમાં પર્યવસાન થાય છે, મધુર મિલન થાય છે તે શાંત રસ મૃત્યુનો રસ છે. મૃત્યુ એટલે મુક્તિ એવા સ્ત્રીના અનુભવની અસર કવિએ એ ઉક્તિઓમાં યોજેલા અનુષ્ટુપ પર પણ પડી છે. (છંદ પણ મુક્તિ અનુભવે છે) એ કાવ્યની સચ્ચાઈનો પુરાવો છે.
* * *


0 comments


Leave comment