1.6 - તંતુ શો એકતાનો ! / રાજેન્દ્ર શાહ


તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુગંધ !
તારી ખ્યાતિ પવનલહરી વ્હૈ જતી દૂરદૂર.
ત્યારે જેને તવ મધુમહીં જિંદગી કેરું નૂર
લાધ્યું, તે તો દલદલ ભમીને બન્યો મત્ત, ભૃંગ.

ઝીણા એના નસનસમહીં તું સહ્યે જાય ડંખ
ને તો યે શી સ્મિતઝર દૃગે, પ્રેમથી તું ભરેલ !
તું તો તારું ધરી રહી અખેપાત્ર આ સર્વ વેળ,
ન્યાળ્યાં છે ના તવ કુટિરનાં બારણા કોદિ બંધ !

તું છો જાણે અચર, પણ વ્યાપી રહી શી અનંતે !
ને પંખાળો વનવન ભમે એનું ના ક્યાંય ચિહ્ન !
તારે વાણી નહિ, સતત ગુંજ્યા કરે એહ, ભિન્ન
આવા તો યે ઉરઉર શું એકત્વ માણ ઉમંગે !

ન્યારાં છે પાત્ર તો યે વિનિમય લહું શો આત્મની ચેતનાનો !
વિશ્વે સર્વત્ર સૌમાં અદીઠ વહી રહ્યો તંતુ શો એકતાનો !


0 comments


Leave comment