1.7 - હે દીપજ્યોતિ / રાજેન્દ્ર શાહ


અંધારું જ્યાં ખડક સમ દુર્ભદ્ય, ઉષ્મા નહીં જ્યાં
ત્યાં દીધો તેં ડગલું ભરવા તેજનો શો ઉઘાડ !
ને કોને યે ગણતું નવ તે ચિત્તને જોતજોતાં
તેં વાત્સલ્યે વશ કરી દીધું, દૃષ્ટિમાં કેવું લાડ !

આનંદે મેં નયન કીધ જ્યાં બંધ ત્યાં રૂપહીન
રે ન્યાળ્યો કો અપરિમિત અંભોધિને તેજ પુંજે !
ના ત્યાં કોઈ હલચલ, નહીં ઘોષણા, શાન્તિલીન
હૈયા કરી ધડક, સહ સોહં તણો મંત્ર ગુંજે.
ઊંડાણોમાં ડૂબકી દઈને જીવ મારો ધીરેથી
આ વાયુનું શ્વસન કરવા કૈંક ડોકાય બ્હાર,
ત્યારે આછી દૃગ ઉઘડતાં, સૌમ્ય હે ! તું ફરીથી
પ્રેરી રે’તી અરવ અણસારે દ્યુલોકે વિહાર.

તું ગાયત્રી, અરુણ ધવલા ભાસ્વતી દીપ્તિમંત
તારાં તેજે શિશુ ઉર તણાં ઊઘડે શાં અનંત !


0 comments


Leave comment