1.11 - વિધાતાને / રાજેન્દ્ર શાહ


હજી આ હૈયાનો વ્રણ રુધિરથી છે નીંગળતો,
ત્યહીં તારાં ખારાં દૃગ લવણ કેવું ઉલટથી
ભરે ? - એથી છું કૈં વ્યથિત, અનુકમ્પા પણ કશી
વહે તારો ન્યાળી અબલ ઉછળાટે વસવસો !

ઝીલ્યા છે આ અંગે અગણ જખમો, એથી ય વધુ
ઝીલ્યા છે મસ્તાના વનવિહગ જેવા મનતણી
ઉઘાડેલી પાંખે , ઉર થિજવનારી સકલની
કથાએ છે નાનું જીવતર મહાભારત બન્યું.

પ્રહારોથી રીઢું જીવન બનિયું એવું પણ ના:
ચકામાં કેરી છે અભિનવ ત્વચા કોમલતર,
સહેવામાં - જેવી હિમથી અમરાઇ મુકુલિત બને
તેવી-મ્હોરી હૃદય મુજ હેતાળ કરુણા.

વીંઝી રે’ તું તારી, ચરમ બલથી, વજ્ર ચપલા:
અને જો ગોરંભ્યા સજલ ઘનની વૃષ્ટિ-રમણા.


0 comments


Leave comment