1.13 - હું છું ગયો ખોવાઈ / રાજેન્દ્ર શાહ


હું છું ગયો ખોવાઈ હે તારીમહિં
ને તેં મને ધારી લીધો છે નેણથી યે નિભૂત.....

પંખીએ નિજ નીડ છોડ્યું...
નીડમાં અવ
ના કંઈ પેખાય ત્યાંહિ
ગાન મૂક બનેલ તેના વિલય થાતાં સ્પંદને
શિહરી ગયેલી શૂન્યતા કેવલ રહી છે વ્યાપૃત....
હું તો મને બેઠો ગુમાવી તું મહીં.

જેનો હતો ના કૈં પતો
આશા ત્યજી દીધા પછી
ખોજી રહ્યો’તો જે ખજાનો, પલકમાં તે
ચરણ આગળ આવીને સહસા પડે
રે તેમ તારી સંનિધિમાં પુનઃ મુજને પામતો.
આશ્ચર્ય ને
ઉલ્લાસની આાંધીમહીં હું ડૂબતો.
મેં તો મને શોધી લીધો તારી મહીં.
ઇસરાજ પર જ્યાં નાદઘેલી આંગળી રમતી ફરે તે તાર તું
ને હું નીચે અસ્પર્શ્ય છું રે'નાર કોઈ.....
તું અભિનવ સૂર જે ક્ષણક્ષણ રહે રેલી,
હું તેને, મૂક લાગું છું, તથાપિ
માહરા ગુંજનતણા રસમેળથી રે સર્વદા
સભરો કરું..... ફેલાય જે આનંત્યમાં.

તું શબ્દ,
હું પ્રસ્પંદ,
તું અવકાશ,
તો હું શબ્દ છું.
મેં તો મને શોધી લીધો તારી મહી.

તું દૂર તો.....
પંખી વિનાના નીડની હ્યાં જિંદગી શી ?
તું નિકટ તો.....
ખોયું તેથી કૈં અધિકતર પ્રાપ્ત થાતાં રે કમી શી ?

રાત્રિના અંધારની ઘન કાલિમા છાઇ રહી
ત્યાં સારિકાના સૂરની માધુરી સાથે પ્રગટશે અરુણાઈ
રે સૂનકારમાં આનંદની રે’શે હવા લહરાઈ....

જ્યારે તેં મને લીધો જ છે તારો કરી :
તો સર્વદા હે
સંમુદાભર માહરી સાન્નિધ્યમાં રે’જે ઠરી.


0 comments


Leave comment