1.16 - વિખૂટા પડતાં / રાજેન્દ્ર શાહ


અસ્તને ક્ષિતિજે પાન્થ ! મૃગશીર્ષ રહ્યું સરી.
રાત – સારી ગઈ
જોને
વાત મંદાકિની કેરા સૂરને કલ-મંજુલ
માણતાં આપણાં નેણે
પોપચું યે ઢળ્યું નહિ,
- માર્ગ ખેદે લહ્યો નહિ.
વાત ના સાન્ત કિંતુ આ રાત્રિની તો ફરે ધરી.

બીજના ઈન્દુને કોદિ શુક્ર આવી મળે જ્યમ,
આપણું મળવું તેવું,
અલ્પ
તો યે ઉરોમેળે બની રે'તું ચિરંતન.

અજાણી આ ધરિત્રી ને ઓસરી આ સરાઈની
મૌન વિશ્રંભથી એ યે
પુરાણું દૂરનું જાણે આપણું ઘર ના ક્યમ !

સંચેલું જિંદગીનું તે સર્વ બે યે દીધું ધરી:
આપ-લેમાં, –
ઉડાવામાં
તારું તે તારું ને મારું, મારું તે મારું ને તવ
બન્યું.
રે દૃષ્ટિની રિદ્ધિ બન્નેની કૈંક તો વધી.
દીધાની લઘુતા જાણું,
પામ્યાની શું કહું ?....જરી
મારા તો લોહને જાણે મળ્યો કો સ્પર્શનો મણિ.

અસ્તને ક્ષિતિજે પાન્થ ! મૃગશીર્ષ ગયું સરી:
કૂકડે રણઝણાવી રે !
શાન્ત આ અંધકારની
વીણાની મૂક તંત્રીને –
વૈતાલિકે દિશા ભરી.
આપણો પંથ ના એક,
મળ્યાં, હાવાં મળીશું કે જાણતા ના...
ચલો બંધુ !
રાહ છે દૂરનો, વાટે
હજી લેવું નિસર્ગેથી ભાતું ભર્ગ વરેણ્યનું :
કાળ ના થોભશે જરીઃ
યોગ-વિચ્છેદની ઘડી ?
નહિ. આજે મને તેં તો
સૃષ્ટિના રંગ મેળામાં મેલ્યો રે મ્હાલતો કરી.


0 comments


Leave comment