1.24 - હે મુગ્ધ ! લજ્જામયિ ! / રાજેન્દ્ર શાહ


હે મુગ્ધ ! લજ્જામયિ ! ભીરુ હે સખિ !
હજી ન તારે નયને પ્રવેશ
કીધો ત્યહીં પાંપણદ્વાર સત્વર
શું બંધ કીધાં ? ઉર માહરું અરે
રહી ગયું ભીતર, ને બહાર હું
છું ક્ષુબ્ધ, છું કેવલ શૂન્યશેષ.

ક્ષણેક એ દ્વાર ફરી ઉઘાડશે ?
રહી ગયું અન્દર તે લઈ લઉં.
કદાચ હું ત્યાં સ્થિર થૈ વસી જઉં
એ ની ન શંકા મનમાંહિ ધારશે.

કદાચ વાતાયન કોઈ ભૂલથી
જો હોય ખુલ્લું.... મુખની પરિક્રમા
કરી લહું....ત્યાંહિ કપોલની કને
અહો રહ્યા ઓષ્ઠ સુમંદ ઊઘડી !

હે મુગ્ધ ! લજ્જામયિ ! ભીરુ હે સખિ !
અબોલ શું ઇજન ત્યાં મને દીધું !
ને ત્યાં પરિરંભનમાંહિ, નેત્રથી
નિમેષમાં જે હરી લીધ તેહને –
રે તાહરા સૌરભસિક્ત પ્રાણના
માધુર્યથી પૂર્ણ કરી – ધરી દીધું !


0 comments


Leave comment