1.26 - તને ‘મધુર યામિની’ / રાજેન્દ્ર શાહ


તને ‘મધુર યામિની’ પ્રિય !
રજનિ વિપ્રલમ્ધા સમી
ઢળી'તી ઉરભગ્ન થૈ, ત્યહીં શી પાછલા પ્હોરમાં
સુધાકરથી જો ખીલી, ઉભયની લહી ખેલના
હસન્મુખ દડી જતી નભથી ઉત્તરાફાલ્ગુની.
ચલો, પ્રિય ! અહીં ઘટે ન અવ આપણું થોભવું.

તને ‘મધુર યામિની' પ્રિય !
મિલન ધન્ય આજે કશું !
નહીં વિગતનાં મીઠાં સ્મરણનાં, ન વા જેહને
વિમુગ્ધકર ભાવિની સ્વપન કુંજનાં – ગુંજન.....
તથૈવ મળવું કશું ? ઉછળતી ઝીણી ઊર્મિઓ
પરસ્પર ભણી વહી સહજ, પ્રેમથી મંથર
બન્યાં હૃદયથી હવે સુલભ ના જવું, તે છતાં
તને ‘મધુર યામિની' પ્રિય !
નયન કેરું આલિંગન,
વિદાયતણી આ પળે ચરમ, કેવું ભીનું દૃઢ !
સુગંધ જ્યમ ફૂલમાંથી વહી ફૂલને છાવરી
રહે, પ્રણય આપણાં હૃદયને ય તેવો ગ્રહે.
ફરી કવણ દેશ- કાળમહીં મેળ ? રે ભાવિથી
અજાણ પણ આપણા અલગ માર્ગ માંહે કદિ
સ્મરીશું, સુખમાં ઝૂરીશું, ઈહ ભાન સાથે પ્રિય !
તને ‘મધુર યામિની.’


0 comments


Leave comment