1.27 - રહઃમિલન અભિલાષ / રાજેન્દ્ર શાહ


મેં ઘરને દીધ જુહાર પિંજરે પ્રાણ મુક્તિ નવ માને,
મેં ક્ષિતિનો મૃદુલ અવાજ
અરે વિરહિણીનો આર્ત પુકાર
સુણ્યો અનિલે ઉચ્છવસતા ગાને.
મુજ હૃદય ગ્રસે પ્રતિક્ષણ ધ્વનિના વંટોળ,
મુજ રક્તતણી ગતિએ વિદ્યુતનાં નર્તન તાંડવ ઘોર.
રે નીડ કરીને શૂન્ય
પંખી સમ ભ્રમણ માંડિયું અધીર મારા સ્વાન્તે,
જ્યાં વ્યોમ નમી અવનીને દે આલિંગન એ દિક્પ્રાન્તે,
મુજ નયનમહીં જલતી અહઅહ ચિર સુંદરની સહ
રહ:મિલન અભિલાષ,
મુજ પદતલ મહીં ઉપડી દુર્દમ રે દુઃસહ ચલન- પિયાસ.

મેં તુહિનાચલની ભભૂત જટાએ લાસ્ય ઈન્દુલેખાનાં
ને અમેઝૂનને પ્રમદ અંગ
સોહાગ રાગ, નય, ભંગ, રમ્ય અપ્સરનાં –
મેં યોગ- પ્રશાંત સદા મંગલ રવ મર્મરંત પેસિફિક –
ને વિશ્વ ભક્ષવા રૂદ્ર ઘોષણે ધસ્યો મત્ત અતલાન્તિક
મેં દૂર ચિરઉષાતણા સુવર્ણે રસિત ભવ્ય ધ્રુવદેશ –
ને શીતલ તેજ વિકીરન્ત, મૌક્તિકે ગ્રથિત,
રાત્રિના સઘન શ્યામતમ કેશ –
મેં સર્વ લહ્યાં, રે સર્વ કિન્તુ એ ભગ્ન શીર્ણ પ્રતિબિંબ.
રે અતીત મુજ પ્રેયસીતણાં રૂપ
નયનથી ગોપ્ય છતાં ય નયનમાં એક નિત્ય વિલસંત.

શાં ઇંગિત પ્રણય તણાં નિરખ્યાં મેં કુસુમે વસુંધરાનાં !
ને કૃષ્ણ ઘને પલપલ લોચનના કટાક્ષમહીં ચપલાના !
ને સંવનને પંખીનાં !
ધસતી શૈલ વીંધી સાગર અભિસારે
ઉન્મન એ કાંગોનાં !

શાં ઇંગિત પ્રણય તણાં ગાયાં
રે બિએટ્રીસનાં બંકિમ નેણે ચમકંતાં દાન્તેએ !
ને માશુકના ગુલગુલાબી ગાલે મલકંતાં તે સાકીમસ્ત હાફીજે !
મેં સર્વ લહ્યાં ને સર્વ સુણ્યાં તે તેજ લકીર લગાર,
રે અતીત મુજ પ્રેયસીતણા
અણસાર માત્રથી ઝગે વિશ્વ ચિરકાલ.

જ્યાં ક્ષણક્ષણ અભિનવ કલા ધરંતાં ચંદરવે ચાંદરણાં,
જ્યાં પવન ચામરીમહીં મહેકે પારિજાત મધુવનના,
જ્યાં પાય આગળ જ સાત સમંદર બજવી રહે વીણાને,
ત્યાં ધરાતણા શીતલ શયનીયે સુપ્તિમહીં દયિતાને
મેં લહી, અરે ઋજુ અધરસ્પર્શ મુજ નયન પાંપણે માણું,
શી તૃપ્તિ નયનને ખોલું ધન્યતા કાજ, કોઈ નવ,
અંચલને સંચાર અરે લહું કોઈ સરે ત્યાં છાનું.
મુજ તૃષિત પ્રાણની એક બિંદુએ
એક બિંદુએ શતગુણ વધે પિયાસ.
રે નયનમહીં જલતી, જલતી અહરહ સુંદર સહ
રહ:મિલન અભિલાષ.


0 comments


Leave comment