૧૩ સ્પર્શવાના ખ્યાલથી પણ લોહ સોનું થાય છે / ચિનુ મોદી


સ્પર્શવાના ખ્યાલથી પણ લોહ સોનું થાય છે
પણ, પછીથી હાથ પોતે, પગનું મોજું થાય છે.

જાણકારી એટલી કે એક નકશાની નદી,
રોજ ચિંતામાં રહે કે પાણી ઓછું થાય છે.

વાયકા, અફવા પગરખાં પ્હેરવાં પણ ક્યાં રહે ?
મારી એકલતાની ફરતું મોટું ટોળું થાય છે.

પાણી આપોઆપ આપે માર્ગ, એ કીમિયો કહે;
આંસુ તરવા જાઉં છું તો મોટું મોટું થાય છે.

મન તને ‘ઇર્શાદ’ કહેવાની જરૂરત ક્યાં હતી?
શબ્દની સંગત પછી પણ પાણીપોચું થાય છે.0 comments