1.33 - એ ય સ-રસ / રાજેન્દ્ર શાહ


હવે તો કૈં બોલો !
અબોલા કૈં ખોલો !
નજર થકી યે સાવ અળગાં
બનીને રે'શો ક્યાં લગી ? સ્વજન જાણે નહિ સગાં.
અભિભવ અમારો, તવ યશ,
તમારી માનીતી જક પર ઢળ્યો જીત કળશ.

હજીય નયનોમાં દ્યુતિ નથી !
શ્રવણમહિં જાણે શ્રુતિ નથી !
તમે શું ના જાણો, વસતિહીન કોઈ સદનની
દશા શી થાતી? - રે' જયહિં તિમિર ભીનાં સ્થિર બની.
નિશિચર તણે હાથ ધરશો
અરે આ લાવણ્ય લસતું તન ? - ખંડેર કરશો ?

તમારે રે'વું છે અચલ નિજ ગર્વે ? - મર રહો.
‘હવે તો છે તેના શપથ, ઉરથી જે અધિક હો.'
કહેતાં; પ્રેમીએ દૃઢ શી લીધ આલિંગનમહીં !
ત્યહીં ઢીલા ગાત્રે વિફલ છૂટવાને મથી રહી
વદતી સહસા એ ‘બસ, બસ’ !
પછી હોઠે મૂંગા, ઉર ભળી રહ્યાં એ ય સ-રસ.


0 comments


Leave comment