1.37 - રજનિ થકી યે / રાજેન્દ્ર શાહ


રજનિ થકી યે કાળા તારા સુકોમલ કુંતલ,
તરલ દ્યુતિથી સોહે ચિત્રા ચ સ્વાતિ સમાં દૃગ,
ઉર ધડકને ઝીલે પીન સ્તનો તવ તે પર
૨જત પટનું ઓઢ્યું ઝીણું મુલાયમ અંચલ.
સુરભિ અશી ! – માધુર્યે જેની પ્રસન્ન બહાર આ !
તવ ચરણને ઘેરીને શાં મરાલ રમી રહ્યાં !

પલ પલ નવાં લાવણ્યે જે પ્રફુલ્લિત સૃષ્ટિ આ,
સુલભ નહિ જેની માયાનું અખંડિત દર્શન.
પ્રિય ! સકલનું તારે અંગે લહું શું વિવર્તન !
અપરિમિતને ધારી નાચી રહે ઉર તુષ્ટિમાં.
ચિર સમયની યાત્રા મારી થતી અહિં પૂર્ણ રે
તવ સુખદ સાન્નિધ્યે, બાજે હુલુ ધ્વનિ મંદિરે.

હૃદય સરસી ધારું છું હું તને પ્રિય ! તે સમે
નિખિલ સહુને આલિંગીને રતિ ઉરની રમે.


0 comments


Leave comment