1.39 - પ્રેમના મંત્રનું કૈંક ગુંજન / રાજેન્દ્ર શાહ


પુ. : પ્રેમના મંત્રનું કૈંક ગુંજન કીધું,
મુગ્ધ વનહરણ જેવી
તું મારી કને
શાન્ત નત-નેત્ર આવી ઉભી :
વિવશ તું,
લુબ્ધ મેં એક ચુંબન લીધું.
સ્ત્રી. : નહિ, ન તે લીધ પિયા !
મેં જ કામણ કીધું.
મારી સૌરભથી પરવશ બની
ભ્રમર સમ
તેં મને મુખનું અમૃત દીધું.

પુ. : મારી હતી લૂંટ –
સ્ત્રી. : મારે અમીઘૂંટ –
પુ. : મેં તો લીધી લ્હાણ.
સ્ત્રી. : કે તેં દીધું દાન?
પુ. : પ્રિય ! કર્મને અનુસરે ફલ.
સ્ત્રી : નહિ નિયતિનો પ્રેમને મંદિરે અમલ.
જ્યાં આપવું –

પુ. : એથી અદકેરું તો પામવું....
ને નહિ કાલનો લેશ વ્યતિક્રમ !
સ્ત્રી : કશું ઉત્તમ !
***
ને ફરી મુગ્ધ
મન ઉભયનાં
અધરનાં પાનમહીં લુબ્ધ.


0 comments


Leave comment