3.1 - કાવ્ય ૧. નિરુદ્દેશે / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


કવિનો કે કલાકારની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો એ વારંવાર પુછાતો રહેતો પ્રશ્ન છે. આ કાવ્યમાં કવિએ આવા સૈદ્ધાન્તિક પ્રશ્નનો ઉત્તર આપવાનો દાવો કર્યા વગર જ જાણે ઉત્તર આપી દીધો છે : કલાપ્રવૃત્તિ નિરુદ્દેશે છે. સાચા કવિકલાકારની આ જ સાચી પ્રતિજ્ઞા, આદ્ય અને અંત્ય પ્રતિજ્ઞા. આ સંસારમાં જે નિરુદ્દેશ ભ્રમણ કરે છે તે જ કાવ્યને પામે છે. સમર્થ કવિ નિરુદેશે સર્જનપ્રવૃત્ત હોય ત્યારે જ કહી શકે, ‘પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી.' આવી કલાપ્રવૃત્તિનો જો કોઈ ઉદ્દેશ હોય તો તે છે માત્ર આનંદ, કવિની પ્રવૃત્તિ આનંદપર્યવસાયી પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિમાં જે નિમગ્ન છે તે જ કહી શકે, ‘હું જ રહે વિલસી સહુ સંગ ને હું જ રહું અવશેષે.’ ઔપનિષદિક મંત્રવાણીનો રણકો કાવ્યની અંતિમ બે પંક્તિમાં સરલગભીર રીતે સાંભળવા મળે છે. આ કવિની કવનપ્રવૃત્તિ પણ નિરુદ્દેશે જ છે; માટે જ તે અનવદ્ય અને આસ્વાદ્ય છે. આથી આ કાવ્ય ન કેવળ ‘ધ્વનિ' કાવ્યસંગ્રહની, ન કેવળ રાજેન્દ્ર શાહની પરંતુ સર્વકાલે સમર્થ સાચા સર્જકની નાંદી છે ને એ જ છે એનું ભરતવાક્ય. ‘પાંશુ-મલિન'માં પૃથ્વીભ્રમણ અને તેથી રજોટાયેલી મલિન સ્થિતિનો નિર્દેશ છે, જેમાં કાવ્યનાયકની ધરતીપ્રીતિ પણ ફારે છે.
* * *


0 comments


Leave comment