3.2 - કાવ્ય ૧૪. આયુષ્યના અવશેષ/ ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


કવિની કાવ્યસૃષ્ટિની અને અર્વાચીન ગુજરાતી કવિતાની માતબર સોનેટમાળા. દુરારાધ્ય વિવેચક અને સમર્થ સોનેટકાર બળવન્તરાય ઠાકોર આ સોનેટગુચ્છ પર વારી ગયા હતા તે હકીકતને નિરંજન ભગતે આમ નોંધી છે : ‘રેશમના પટ પર કિનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે. ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રએ આબાદ પકડ્યો છે.’ સાચી વાત છે. હરિણી છંદની આરંભની ચપલતરલ ગતિ અને પછીની મંદમંથર ગતિ વૃદ્ધ કાવ્યનાયકના મનોજગતને કલાત્મકતાથી અભિવ્યક્ત કરી રહે છે. છંદનો આવો ભાવપોષક ઉપયોગ કવિની પ્રતિભાનો દ્યોતક છે. આ કાવ્યગુચ્છ ૧૯૪૭માં રચાયું અને પ્રથમ ‘કુમાર'ના ૧૯૪૮ના જાન્યુઆરીના અંકમાં પ્રકટ થયું ત્યારે કાવ્યમર્મજ્ઞ બચુભાઈ રાવતે નાનકડી નોંધ મૂકેલી :
‘ગુજરાતી સાહિત્યમાં ગણનાપાત્ર થયેલી જે કેટલીક કૃતિઓના પ્રથમ પ્રકાશનનું ભાગ્ય ‘કુમાર'ને મળ્યું છે તેમાં, પોતાના ગુણવૈશિષ્ટ્યને લીધે સ્થાન પામે તેવી, આપણી ક્ષિતિજ પર પ્રકાશવા માંડેલા યુવાન કવિ રાજેન્દ્ર શાહની આ કૃતિને આવકારતાં અમને આનંદ થાય છે.’

આ ત્યારના યુવાન કવિનું અજબ પ્રૌઢિયુક્ત અને પરિપક્વ કાવ્ય છે. એમાંના અંતિમ સૉનેટ ‘જીવનવિલય’ માં ‘આદ્યન્ત જીવનનો જય’ કવિ ગાય છે તેમ આજની અને આવતી કાલની ભાવકપેઢી આ સૉનેટગુચ્છને ઉપલક્ષીને કવિની સાદ્યંત સર્જક-શક્તિનો જય ગાયે યુવાન વયે લખાયેલા આ સૉનેટગુચ્છનો નાયક વૃદ્ધ છે, અને એક યુવાન કવિએ વૃદ્ધના મનોભાવને જે રીતે આત્મસાત કરી અભિવ્યક્ત કર્યો છે તેમાં સમર્થ કવિની પરાનુભવ-પ્રવેશની પ્રતિભાશક્તિનાં દર્શન થાય છે. ‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની' માં ખખડી ગયેલી ડમણીના સ્થૂળ ચિત્રાંકનને પડછે વૃદ્ધ કાવ્યનાયકના, ખખડી ગયેલા કાવ્યનાયકના, મનની હાલકડોલક સ્થિતિનું સૂક્ષ્મ ચિત્ર પણ કવિએ વ્યંજિત કરી આપ્યું છે. આમ, પોતાના વતનમાં વર્ષો બાદ પાછો ફરેલો વૃદ્ધ કાવ્યનાયક ડમણીમાં બેસી ‘ઘર ભણી’ જાય છે તે ચિરપરિચિત વાટનું અને તત્કાલીન તેમ જ ગતકાલીન મનોઘાટનું સચોટ શબ્દચિત્ર ઉપસાવ્યું છે અને એક કાળે જે ઘર ‘ભર્યું હતું' તેની યાદ લઇને નાયક ‘સૂને ઘર' સંચરે છે, પછી તે ઘરમાં ‘પ્રવેશ'. હવડ ઘરનું વાતાવરણ કવિએ એક જ ઉત્પ્રેક્ષાથી ખડું કરી દીધું છે.
‘ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી ! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.’

વર્ષોથી બંધ બારણાંના ઊઘડવાથી થતા કિચૂડાટને માટે કરેલી કલ્પના ‘દ્વારે કર્યું જરી ક્રંદન’ વાતાવરણની કરુણગર્ભ ગંભીરતાને લક્ષે છે. પછી જ્યાં બારણાં ઉઘડ્યાં અને કાવ્યનાયકની સાથે સૂર્યપ્રકાશે ઘરમાં પ્રવેશ કર્યો ત્યાં ‘.....જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.' કવિની કલ્પનાની સર્જકતા ત્રીજા સૉનેટમાં જ્યાં ‘સ્વજનોની સ્મૃતિ' જાગ્રત કરે છે ત્યાં આનંદની સાથે અવસાદની પણ છાંટ છે. પિતામાતાની સ્મૃતિ અને ખુદનો યૌવનચગ્યો દાંપત્યારંભ યાદ આવે છે. એ સાથે જ એ સહુ પાત્રોની પ્રવૃત્તિનાં સ્મરણો આંખ સામે અંકાઈ જાય છે. એમાંય માતાની ગેરહાજરીનું સૂચન ‘અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું'માં પ્રતીકાયોજન દ્વારા કરૂણને દઢાવી રહે છે તો ખાલી ઘરની અવાવરુ સ્થિતિનું સૂચન ‘ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી’માં શબ્દચાતુરી અને કલ્પનાનાવીન્યથી કરણને વેધક બનાવી દે છે અને એ ત્રીજા સૉનેટની અંતિમ કડીમાંનો વિરોધ તો કરુણને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. ઘર જે પહેલાં માનસરોવર અને તેમાં થતાં હંસોના કલધ્વનિની જેમ સ્વજનના મીઠા અવાજોથી ભર્યું ભર્યું હતું તેમાં આજે તો કોઈ અકળ અદમ્ય વ્યથાથી તમરું પણ મૂંગું થઈ ગયું છે. ઊર્મિની ઊંચાઈ અને સચ્ચાઈને આંબતું આ સૉનેટ ઉત્તમ ઊર્મિકાવ્યનો નમૂનો બની રહે છે. પણ પછી એ ચિરપરિચિત ઘરના ઝરૂખે કાવ્યનાયક ક્ષણેક ઊભો રહે છે અને સમૂળગું ‘પરિવર્તન’ અનુભવે છે. ત્રીજા સૉનેટમાંના અનર્ગલ ઊર્મિઉછાળમાંથી આ ચોથા સોનેટમાં ચિંતનસરમાં ઊંડું અગવાહન છે. શિશુકાલીન ‘સરલ મનનાં ચાચલ્યોના હવે નહિ ક્રીડન’ જેવો વર્તમાનભાવ અનુભવતા કાવ્યનાયકને ‘અવ હૃદયના શૂન્ય લાધ્યું પ્રશાંત નિમજ્જન’ આમ, જે નાયક ‘હૃદયના શૂન્ય પ્રશાંત નિમજ્જન' કરે તેને તો ‘જીવનવિલય'નો જ અનુભવ થાય. જેમ સોનેટમાં અંતે વિચાર કે ભાવચોટ આવે છે તેમ આ સોનેટમાળાના અંતિમ સોનેટમાં પણ એવી ચોટ છે. ‘જીવનથી જરા આઘે રહીને’ એટલે કે જીવનપ્રવાહમાંથી બહાર નીકળીને, તટસ્થ બનીને કાવ્યનાયક વિચારે છે તો જણાય છે કે આ સૃષ્ટિમાં તો સૌન્દર્યની લીલામાં ચિરંતન તત્વનો વાસ છે, એટલે કશાનો વસવસો કરવાનો ન હોય અને આવી ચિત્તાવસ્થાએ આ સૉનેટમાળા પરિશમે છે. જ્યાં કાવ્યનાયકને થાય છે કે પોતે સદૈવ અભિનવ સ્વરૂપે વિસર્જન પામે છે. આ વિસર્જન અભિનવ સ્વરૂપમાં છે. એટલે પરિવર્તનમાં છે, સ્વરૂપાન્તરમાં છે. આમ, અહી વિસર્જન દ્વારા લય- વિલય નહીં, પણ નવ્ય સ્વરૂપાન્તરની તાત્ત્વિક અનુભૂતિ છે. આ રીતે આ સોનેટમાળાનો આરંભ એક ઊર્મિપ્લાવિત ચિત્રથી થાય છે અને ચિંતનપ્લાવિત અંતને તે પામે છે. કાવ્યારંભ દૃશ્યથી થાય છે અને તેનો અત દર્શનમાં આવે છે. આથી આ સૉનેટમાળામાં ઊર્મિથી ચિંતન તરફની ગતિ છે, કહો કે ઊર્મિનું અને ચિંતનમાં શમન છે, એટલે આ ગુચ્છ ચિંતનોર્મિ સોનેટગુચ્છ બને છે.

‘ખખડ થતી તે ખોડંગાતી જતી ડમણી જૂની’ એ પ્રથમ જ પંક્તિમાં જૂની ડમણીનો ખડખડ અવાજ શ્રુતિગમ્ય બને છે તે શ્રુતિગત કલ્પના (auditory imagination) અને ગતિ ચક્ષુગમ્ય બને છે તે નેત્રગત કલ્પના (visual imagination)નો ઉત્કૃષ્ટ નમૂનો છે. આવા અનેક સૌંદર્યસ્થાનોથી આ સૉનેટગુચ્છ અને આ કવિની કાવ્યસૃષ્ટિ ખચિત છે. કવિની સૌનેટ સ્વરૂપસિદ્ધિ અને કાવ્યસર્જનસિદ્ધિનું આ યુગપત પરિણામ છે.
* * *


0 comments


Leave comment