3.3 - કાવ્ય ૧૫. શેષ અભિસાર / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


વિશિષ્ટ વિષય અને વિશિષ્ટ શૈલીનું સંવાદકાવ્ય. મરણાસન્ન સ્ત્રીના મનોભાવને અહીં વાચા આપવામાં આવી છે. પરંતુ કવિએ શીર્ષકમાં સૂચવી દીધું છે તેમ કાવ્યનાયિકાની મૃત્યુ ભણીની યાત્રા એ ‘અભિસાર’ છે અને આ ‘અભિસાર' દ્વારા શૃંગારનો સંકેત છે. આમ, મૃત્યુદેવ યમ એ પ્રેમીજન છે અને મૃત્યુસમ્મુખ નાયિકા પ્રેમિકા છે. આથી આ મૃત્યુની મંગલતાનું કાવ્ય છે. કાવ્યના ઉપાડમાં જ યમના આગમનનું જે સબળ ચિત્ર આલેખાયું છે તેમાં ઘૂઘરના રણકારનો ઉલ્લેખ દ્વારા વરની વ્હેલને ધ્વનિ છે, યમનું ચિત્ર પણ હિંદુશાસ્ત્રની પરંપરા પ્રમાણે કાવ્યાત્મકતાથી અપાયું છે : ‘લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભૂખ ઢાંકતો.” અને જાણે નવવધૂ પ્રથમ વાર પોતાના પતિપ્રેમીને મળતી હોય તેવો રોમાંચ આ નાયિકા અનુભવે છે;
‘અજાણ્યા સુખનો કેવો
અંગે રોમાંચ વ્યાપતો !'

નાયિકા ‘જમના કેરાં કલે’ સ્નાન કરવાની વાત કરે છે તેમાં પણ મૃત્યુ સમયે પારંપરિક રીતે ગંગાજળનો ઉપયોગ થાય છે તેને સ્થાને જમનાજલનો નિર્દેશ કરી લગ્નમાંગલ્યનો સંકેત કર્યો છે. આમ, પરંપરામાં સહેજ પરિવર્તન કરીને કે ત્યાર પછી રડતો શ્વાન માર્ગ રોકે છે એ નિર્દેશથી મૃત્યુસમયના અમાંગલ્યના પારંપરિક સંકેત રચીને જે કાવ્યમયતા સિદ્ધ કરી છે તે કવિની કલાસૂઝની દ્યોતક છે. એમાંય વળી રડતા શ્વાનને પણ મરણાસન્ન કાવ્યનાયિકા ‘ખમ્મા ખમ્મા’ કહે એમાં બોલચાલના નાટ્યાત્મક લહેકાનો કાવ્યાત્મક ઉપયોગ તો છે જ, પરંતુ એમ કહેવામાં મૃત્યુ સંમુખ ખડી વ્યક્તિના હૃદયઔદાર્ય, મનોમુક્તિ અને સાર્વત્રિક દૃષ્ટિઔદાર્યનું પણ દર્શન કરાવી કવિએ સર્જક અને ચિંતકનું બેવડું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. પ્રિયમિલનની અધીરાઈ પણ અહીં ‘રોકે છે. માર્ગને મારા ?’ એ પ્રશ્ન દ્વારા સચોટ રીતે વ્યંજિત થઈ છે. કવિએ એક મિત્ર સાથે જોયેલા અંગ્રેજી ચલચિત્રમાંના 'dance of death'ના દૃશ્યનું સ્પંદન આ કાવ્યનું બીજ છે; જેનો અણસારો મળી રહે છે આ પંક્તિઓમાં :
‘ઊંચેરા વ્યોમની નીચે ઉર્વીને શાંત આંગણે
મળીને બેઉ આપણે
રમીશું...
નૃત્ય શેષાભિસારનું.’

આ મિલનમંગલ સામાન્ય જનસમાજમાં વિરહવ્યાકુલ કરતા કરાલ મૃત્યુના મુખમાં પણ કવિએ મૃદુ વાણીનું ગુંજન મૂકી અજબ કલાકસબ અને સર્જકસૂઝ દાખવ્યાં છે. મૃત્યુ કહે છે :
‘પ્રિયે !'
ધીરે ફરી જાગે શૂન્યમાંથી સ્વરો મૃદુ,
‘ઊઠો, આલંબને ધારી અંગુલિ માહરી ઊઠો !'
અહીં ‘ઊઠો'થી આરંભાતી પંક્તિ ‘ઊઠો' પાસે પૂરી થાય છે તે દ્વિરુક્તિની વચ્ચે પ્રણયી જનના ઇજનાગ્રહનો કવિકીમિયો છે. આ પ્રેમપાગલ અવસ્થામાં ઉભયના ઐક્યની ક્ષણે શરીર પણ વ્યવધાનરૂપ બને છે. એટલે જ મૃત્યુ કહે છે : ‘અંગથી સ્પર્શનું તાર રેશમી વસ્ત્ર હો પરુ.’ આમ, ‘જ્યોતમાં જ્યોત’ મિલાવી દેવાની અહીં વાત છે. ‘વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય’વાળા ગીતા શ્લોકનો સંકેત પણ છે. મૃત્યુ તો પરમ-આત્મા છે એમાં આ જીવ-આત્માને સમર્પી મિલનાદ્વૈત સાધવાની ક્ષણનું આ કાવ્ય છે. ‘સ્પર્શનું વસ્ત્ર' દ્વારા દેહનો ઉલ્લેખ થયો છે અને એને પરું કરી દેહમિલન નહિ પણ આત્મમિલનની વાત વણાયેલી છે તેમાં લૌકિક શૃંગાર નહિ પણ શૃંગારનું કલાત્મક વ્યંજકત્વ માણવા જેવું છે. આથી ‘મૃત્યુ મંગલમય છે' એવું કોરું ચિંતન પ્રકટ કરતુ આ કોઈ ચિંતનાત્મક પદ્ય નથી, પરંતુ મૃત્યુની મંગલમયતાને વિષય બનાવતું આ રસગર્ભ કલાત્મક કાવ્ય છે. શૃંગારરસપોષક ભાષા અને લગ્નોત્સુક નાયિકાના પરિવેશ દ્વારા કરુણનું શૃંગારમાં પરિવર્તન સધાયું છે અને આવી નાયિકાના મૃત્યુસાંનિધ્યમાં સર્વ સ્વજનોનો પણ દૃષ્ટિવિકાસ થાય છે ત્યાં કાવ્યનો કલોચિત અંત આવે છે : ‘શાંતિ હો ગતને, /પૂંઠે રિક્તને શાંતિ શાંતિ હો....' છેલ્લે શાંતિ શબ્દને દોહરાવીને સંસારીજનોની વિરહવિકલતા ઈંગિતાઈ છે. કાવ્યના પારસ્પરિક કરુણ વિષયને મંગલમય શાંતરસની સિદ્ધિ માટે ધીરગંભીર અનુષ્ટુપનો ઉપયોગ કરી કવિએ છંદોલયસૂઝ પણ દાખવી છે.
* * *


0 comments


Leave comment