3.4 - કાવ્ય ૨૭. રહઃમિલન અભિલાષ / ધ્વનિ - રાજેન્દ્ર શાહ / આસ્વાદક - ધીરુ પરીખ


પરમ તત્ત્વ સાથેના રહઃમિલન એટલે કે એકાંત મિલનની અભિલાષાનું કાવ્ય. કાવ્યનાયક કહે છે :
‘મુજ નયન મહીં જલતી અહરહ ચિરસુંદરની સહ
રહ:મિલન અભિલાષ.’
સત્યમ્, શિવમ, સુંદરમ્ એવા પરમ તત્ત્વને – ચિર સુંદર તત્ત્વને - પામવાની ઝંખના અહીં ઉત્કટ રીતે અભિવ્યક્ત થઈ છે. પરંપરામાં દેહને પિંજરની ઉપમા અપાઈ છે, તેનો કેવો સરસ કાવ્યસામગ્રી તરીકે કાવ્યની પ્રથમ પંક્તિમાં જ વિનિયોગ થયો છે :
‘મેં ઘરને દીધ જુહાર પિંજરે પ્રાણ મુક્તિ નવ માને'
પ્રભુ અહીં પ્રેયસી છે અને કાવ્યનાયક પ્રિયતમ. પ્રશિષ્ટ બાનીમાં અહીં સૂફીવાદી ભક્તિ નિરૂપાયેલી પણ જોઈ શકાય. ગોપીનાથ કવિરાજે નિર્દેશ્યા પ્રમાણે આ મિલનની અભિલાષા તે નિભૃત નિકુંજલીલાની અભિલાષા છે, જેમાં કેવળ કૃષ્ણ અને રાધા સિવાય અન્ય કોઈ જ નથી. આપણા વેદાંત પ્રમાણે આ શિવમિલનની જીવઝંખનાનું કાવ્ય છે.
‘મેં તુંહિનાચલની ભભૂત.. એ ભગ્ન શીર્ણ પ્રતિબિંબ'
પરમ તત્ત્વ કેવું વિરાટ છે તે દર્શાવવા વિશ્વના વિરાટ ભૌગોલિક ઘટકોનું અહી નિરૂપણ છે. મહાન હિમાલય પરની ભભૂતાર્ચિત અને બીજરેખાંકિત ભવ્ય શિવમૂર્તિ, અમેઝૂન, પેસિફિક, અતલાન્તિક, ધ્રુવપ્રદેશો વગેરે ભવ્યગંભીર છે છતાંય પરમ તત્ત્વની વિરાટ મૂર્તિ સામે તો આ બધાં ‘ભગ્ન શીર્ણ પ્રતિબિંબો' સમાન જ જણાય છે.
‘ઉન્મન એ કાંગોનાં ! ‘શાં ઈંગિત પ્રણય... '
જીવરૂપી અભિસારિકાના પ્રિયમિલનની તીવ્રતા દર્શાવવા કોમલકરાલ પ્રણયભંગિઓના વિવિધ પ્રાકૃતિક ચિત્રોના નિર્દેશો.
‘જ્યાં ક્ષણક્ષણ...... નયનપાંપણે માણું’
અહીં વિરાટ પરમ તત્ત્વનું ભવ્ય રૂ૫ રજૂ કરાયું છે તેમાં કવિની કલ્પનાશીલતાનો અને અનુભવગમ્ય અભિવ્યક્તિનો પરિચય થાય છે.

જુહાર-વિદાય, ક્ષિતિ-પૃથ્વી, સ્વાંતે-મને (સ્વાંત-મન), અહરહ-દરરોજ-તુહિમાચલ-હિમાલય, અમેઝૂન-દક્ષિણ અમેરિકાની મોટી નદી, નય-અભિનય, પેસિફિક-પ્રશાંત મહાસાગર, અતલાન્તિક-એટલાન્ટિક મહાસાગર, ચપલા-વીજળી, કાંગો-આફ્રિકાની તોફાની નદી, બિએટ્રીસ-ઇટાલિયન કવિ દાન્તેએ કુમારવયે જોયેલી કુમારી, જેના અલૌકિક પ્રેમમાં તેઓ પડ્યા હતા, દાન્તે- ‘ડિવાઈન કૉમેડિ’ નામના મહાકાવ્યના ઇટાલિયન કવિ; હાફિઝ ફારસી કવિ.
* * *


0 comments


Leave comment