૨૮ વેશ બદલી આપતી નિશ્ચલ પરી કાંપી હતી / ચિનુ મોદી


વેશ બદલી આપતી નિશ્ચલ પરી કાંપી હતી
એ જ કારણથી મરણને ગાળ મેં ભાંડી હતી.

મારી ઇચ્છા તો સદાયે સાદી સીધી હોય છે
લાકડી જળમાં ઝબોળી કે તરત વાંકી હતી.

સાંકડા મનમાં અરીસા સામસામા ગોઠવી
સાત ઘર છેટે જઇ મેં કાંકરી નાંખી હતી.

કેમ અટકીને ઊભાં છો ? પ્હાડ તોડી નીકળો
પાણી આવે એ જ માટે પાળ મેં બાંધી હતી.

આ ક્ષણે કે તે ક્ષણે ‘ઇર્શાદ’ એનો એ જ છે
છાપરે બેસીને છત્રી ખોલવા માંગી હતી0 comments