૫૧ પંખી બેઠાંનો હવે રોમાંચ ક્યાં છે ડાળીએ ? / ચિનુ મોદી


પંખી બેઠાંનો હવે રોમાંચ ક્યાં છે ડાળીએ ?
પાંદડાની બારીઓને કેમ કરતાં વાસીએ ?

રાજવંશી ગુત્પવેશે પણ નગરચર્ચા કરે
ઠાઠથી થોડીક લાગણીઓને છાની રાખીએ.

વાટ જોતાં હાથના વેઢા ઘસાયા છે હવે
કોઇ રીતે પગના અંગૂઠાને તાલિમ આપીએ.

નામ તારું કોતરીને આંસુ મધ્યે નાંખીએ.
તોય પથ્થર ડૂબતા તે સેતુ ક્યાંથી બાંધીએ ?

હાથ પણ દેખાય નહીં એવા સઘન અંધારમાં
હું અને ‘ઇર્શાદ’ કાયમ એકસરખા લાગીએ.0 comments