૧૯ આપણે ક્યાં કાગડાને લીધે કાળો કેર છે ? / ચિનુ મોદી


આપણે ક્યાં કાગડાને લીધે કાળો કેર છે ?
આપણે તો મોત પામેલા સ્વજનની મ્હેર છે.

રોજ મ્હોરાંઓ બદલવાની મઝા લેનારને
દર્પણોના કાચમાં ને પાણીમાં શો ફેર છે ?

આ ભલાભોળા બિચારા હાથને ક્યાં ખ્યાલ છે,
અન્નને ને દાંતને દેખાવનાં બસ વેર છે.

મંત્ર ફૂંકું તો સજીવન થાય ઇચ્છાની પરી
પણ, પવનના સાતમા પાતાળમાં પણ ઝેર છે.

હું સ્મરણની સાહ્યબી પણ ભોગવી શકતો નથી
એટલે કે ગંજીપાનો મ્હેલ પણ ખંડેર છે.

લાગણીના દેશમાં ‘ઇર્શાદ’ ક્યાં નિર્દોષ છે ?
કાંચળીને સાપ ગણવાનો ગુનો જાહેર છે !0 comments