૪૭ કોઇના વેરાન રણમાં આવતો વંટોળ છું / ચિનુ મોદી


કોઇના વેરાન રણમાં આવતો વંટોળ છું
તૂટતો પાતાળ-પરપોટો છું ને તરબોળ છું.

પગ નથી, આંખો નથી, ચાલ્યો નથી, જોયું નથી
ને છતાં દડતો રહું છું કેમ કે હું ગોળ છું

પળ અને જળ, પળ અને છળ, પળ અને પળ-શું થશે ?
હું જ કીડીનું કટક ને સ્થંભ રાતોચોળ છું.

પ્રેમનાં મારા બધા સંબંધ ને કેવી ખુશી
હું ય ડામચિયે દીવો પેટાવી ઝાકંઝોળ છું.

મન વિશે ખાંડવનું વન ઊગ્યું ખરું; સળગ્યું નહીં
કેમ કૈં કારણ વગર ‘ઇર્શાદ’ ડામાડોળ છું ?