૬૦ રેતનો દરિયો અને એનુંય જો મંથન થશે / ચિનુ મોદી


રેતનો દરિયો અને એનુંય જો મંથન થશે
ઝેર રૂપે આવશે ને તીવ્ર સંવેદન થશે.

જાળથી મેં પણ લપેટ્યો છે ભમરડો એટલે
મુક્ત ઇચ્છાઓ સ્વયં પણ કારમું બંધન થશે.

શ્વાસને સમજાય છે તે આંખને દેખાય તો
મોતની સામે થશે એ તન વગરનું મન થશે.

તું હકીકત હોય છે ને હું ઇરાદો હોઉં છું
એ જ મર્યાદા થશે તો એનું ઉલ્લંઘન થશે.

તર્કટી કપટી પવન દેખાય છે ક્યારે ‘ચિનુ’ ?
સાતમા આકાશમાં એ તારું અવલંબન થશે.