1.1 - આ ક્ષણે / ક, ખ, કે ગ... / તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ / હેમેન શાહ


– તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક, હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

એક આવી જ કોઈ એકલવાયી ક્ષણે મને ગઝલ સાથે પ્રેમ થયો હતો. એક રાતે થોડી ચાંદની મેં પણ નોટબુકમાં ટપકાવી હતી. એ ચમત્કારિક ક્ષણે મને જે પાંખ ઊગી, એનું એક પીછું ધીરેથી સરકાવી મેં શાહીમાં બોળ્યું હતું. એ પીછું તમને આ પુસ્તકના વચલા કોઈક પાનાં પર બુક-માર્ક રીકે કદાચ મળી આવે.

દરેક શે'ર મારી કસોટી કરવા તત્પર હોય એવું લાગે છે. છંદના સાંકડા બારણામાંથી પ્રવેશ પામ્યા બાદ શે'રનું જે વિશ્વ દેખાય છે, એ ઊંચી ટેકરી પર સતત ફૂંકાતા પવન જેવું હોય છે. જે વાતાવરણમાં નવીસવી પહેરેલી વિદ્વત્તાની પાઘડી તો કઈ ખીણમાં ઊડી જાય એ ખબર પણ ના પડે. બે-ચાર ડગલાં ભરું અને બે વાત કરું ત્યાં તો લયનું મોજું મને ઢસડીને બારણાંની બહાર ફેકી દે. ફરીથી બીજો શે'ર, બીજું બારણું, બીજી ટેકરી અને બીજું મોજું. થાકી જવાની પણ મજા પડે છે. ગઝલ લખવી, મઠારવી, સંભળાવવી, એ મહદ્અંશે આનંદદાયક પ્રવૃત્તિ રહી છે.

સાહેબ, ગઝલની વાત જ કંઈ ઓર છે. શે'રના બે મિસરા જાણે ચકમકના પથ્થર છે અને ગઝલનું તત્ત્વ છે એ બેના ઘસાવાથી થતો તણખો. જે બે હાથોએ ચકમકના પથ્થર પકડ્યા છે એ અદૃશ્ય છે. એ અદૃશ્ય હાથ શે'રના અધ્યાહાર અને અભિપ્રેત અર્થો છે અને તણખો પેદા કરવાનું એ જ પરિબળ છે. રજૂઆતની ઢબ જ્યારે ઉચિત મળે છે ત્યારે ગઝલને વિષયની મર્યાદા બહુ નડતી નથી. પરંતુ ઘણી વાર સરળ વાત પણ ગાંડીવની માફક હાથમાંથી સરી જાય છે.
(ક, ખ, કે ગ... ની પ્રસ્તાવનામાંથી)


0 comments


Leave comment