1.2 - ઊઘડેલો અવાજ / ક, ખ, કે ગ... / હેમેન શાહ


હેમેન ગઝલનું વ્યાકરણ જાણે છે પણ આ વ્યાકરણ એની સર્જકતાની આડે નથી આવતું પણ લીસ્સી લાગણીઓમાં સરી જતા રોકે છે. કોઈ પણ સર્જક પાસે બે વસ્તુ અનિવાર્ય છે, તલ્લીનતા અને તટસ્થતા. વહેવાનું ખરું પણ તણાઈ જવાનું નહીં. એની એક ગઝલનો પ્રારંભનો શેર કોઈ પણ નવા ગઝલકારે પોતાની બાળપોથીમાં ઘૂંટવા જેવો છે :
બોલ નહિ તું આટલો ગદગદ થઈ,
આ તને શોભે, નહીં કાસદ થઈ.

છેવટે તો ગઝલ સંકેતની ભાષા છે. શબ્દોની આતશબાજી નથી એ આપણને સૌને સમજાઈ જવું જોઈએ. હેમેન પાસે આ વિષેની પાક્કી સમજણ છે. 'ત્રિપદી' હેમેનનો કાવ્યવિશેષ છે. કલ્પનની તાજગી અને અભિવ્યક્તિનું લાઘવ એ આ સ્વરૂપની વિશિષ્ટતા છે. મુક્તકો અને અછાંદસમાં પણ આ કવિની કલમ ઉઘાડ પામે છે. બંધનમાં મુક્તિનો અને મુક્તિમાં બંધનનો આનંદ માણવાનો આનંદ ગઝલકારને પ્રાપ્ત થાય છે.

કાયાકલ્પ અને માયાકલ્પ પામેલી આપણી ગુજરાતી ગઝલ કેવી નવી નવી કલમો અને વળાંકો લઈને આવે છે એ જોવા-જાણવા માટે પણ કાવ્યરસિકોને આ સંગ્રહ અવશ્ય આનંદ આપશે. ગઝલનું સ્વરૂપ એકી સાથે મુક્તિ અને બંધનનો પરિચય આપે એવું છે.
- સુરેશ દલાલ


0 comments


Leave comment