1.4 - ખુદથી તસુ ખસેડશે કાળી લકીર કોણ? / હેમેન શાહ


ખુદથી તસુ ખસેડશે કાળી લકીર કોણ?
લાવ્યા છે આગિયાનું લડાયક ખમીર કોણ?

જ્ઞાની હશે, યા મૂર્ખ, યા કોઈ હશે કવિ,
સૂતો છે કલ્પવૃક્ષની નીચે ફકીર કોણ?

સારું થયું કે ઊડતાં પારેવડાં થયાં,
ઈશ્વરની આદ્ય ચીસને આપત શરીર કોણ?

જોઉં, અડું છતાંયે અનુભવ મળે નહીં,
ઈન્દ્રિયોમાં વસે છે આ ઉઠાવગીર કોણ?

એ જાણવાને મૃત્યુ હું પામ્યો કે દૂર દૂર,
લણણીનું ગીત ગાય છે કન્યા સગીર કોણ?


0 comments


Leave comment