1.5 - એની સાથે શો મને સંબંધ પૂર્વાપર હતો / હેમેન શાહ


એની સાથે શો મને સંબંધ પૂર્વાપર હતો
સભ્યતાનો જે મને વીંટળાયેલો અજગર હતો.

એક ઈચ્છા જે કદી પૂરી થઈ શકતી નથી,
એ ખુદા ભૂલેચૂકે થઈ જાય એવો ડર હતો.

બાગ નક્કામો ગણીને જ્યાં ચણી દીધું મકાન,
ત્યાં અલગ રંગો સુગંધોનો જૂનો હુન્નર હતો.

કારણો જે કંઈ કળા સન્મુખ લઈ આવ્યાં મને,
એ બધામાં પાયાનો સંદેહ અગ્રેસર હતો.

હું કવિના દર્દને રડવા ખભો આપી શકું,
મુજ કને પણ એની ખામોશીનો ક્યાં ઉત્તર હતો?


0 comments


Leave comment