1.7 - બિનમોસમની વર્ષાનો ઉદ્ગાર બધો ભીનો સંકેલો / હેમેન શાહ


બિનમોસમની વર્ષાનો ઉદ્ગાર બધો ભીનો સંકેલો,
ડાળે ડાળે પ્રગટેલો ઉચ્ચાર બધો ભીનો સંકેલો.

રાત ઊભી છે હબસી જેવી રસ્તે રસ્તે ચોકી કરતી,
અહીંથી ભાગી છૂટવાનો નિર્ધાર બધો ભીનો સંકેલો.

સૂર્યકિરણના ભાલા ખોંચી ઘાસ તપાસે છે અહીં કોઈ,
ઝાકળનો ચૂપચાપ થતો વહેવાર બધો ભીનો સંકેલો,

કેડી પર જતાં અભિસારે દડ દડ દડશે સાચાં મોતી,
પ્રિય! તમારી પાયલનો ઝણકાર બધો ભીનો સંકેલો,

સરવરપાળે આવી પહોંચ્યું મોત, મને તેડી જાવાને,
કંકર નાખી સર્જેલો આકાર બધો ભીનો સંકેલો.


0 comments


Leave comment