1.10 - કુળવાન પથ્થરોને અડચણ થઈ ગયો છે / હેમેન શાહ


કુળવાન પથ્થરોને અડચણ થઈ ગયો છે,
માણસ કઠોરતાનું ધોરણ થઈ ગયો છે.

પાસે ગયા તો ક્ષુલ્લક ચીજો વિરાટ લાગી,
આઘે ગયા તો પર્વત રજકણ થઈ ગયો છે.

કોઈના આગમનની એને વકી મળી'તી,
બસ ત્યારથી પુરુષ એ તોરણ થઈ ગયો છે.

ચંચળ સમયની માફક રંગો ઉડી ગયા છે,
ફોટો જૂનો, વીતેલું બચપણ થઈ ગયો છે.

જે કાળ-ખંડ પાસે ક્રાંતિ હતી અપેક્ષિત,
ઈતિહાસનું અધૂરું પ્રકરણ થઈ ગયો છે.


0 comments


Leave comment