1.11 - મેં હવાના છંદ પર પગ તો મૂક્યો લેકિન હલો ! / હેમેન શાહ


મેં હવાના છંદ પર પગ તો મૂક્યો લેકિન હલો !
કઈ રીતે ઊતરાય એ સમજાવ ટિન...ટિન...ટિન...હલો...

ક્યાંક ઊભો જળતરંગોની સલામી ઝીલતો,
ક્યાંક એકલતામાં મુજને કરતું વાયોલિન હલો !

હર નવી ક્ષણ છે રણકતી એક ઉત્સુક ઘંટડી,
જ્યાં ઊંચકશો, રોંગ નંબરને થશે આધીન હલો.

મારે માટે તો વસંતો લોંગ ડિસ્ટન્સ કોલ છે,
શી ખબર ક્યારે ફરી સંભળાય ચિરકાલીન હલો?

જ્યાં જુઓ ત્યાં એક બોઝલ શ્યામવરણું મૌન છે,
ત્યાં અચાનક પૂર્વમાંથી ફૂટતું રંગીન હલો !


0 comments


Leave comment