1.13 - સૂર્યને ફોલી ગઈ જીવાત, રાબેતા મુજબ / હેમેન શાહ


સૂર્યને ફોલી ગઈ જીવાત, રાબેતા મુજબ,
રોશની કરવી પડી આયાત રાબેતા મુજબ.

જન્મ વખતે ના નવો ચમક્યો સિતારો એક પણ,
સંત બોલ્યા, ‘જીવશો દિનરાત રાબેતા મુજબ.’

મુગ્ધ થઈ જેનો પીછો કરતો રહ્યો હું દૂર એ,
આકૃતિ અંગે હતો અજ્ઞાત, રાબેતા મુજબ.

બાવલાનું નાક બહુ વર્ષો ઘસાયું...ને તૂટ્યું !
પણ થયા રાષ્ટ્રીય પ્રત્યાઘાત, રાબેતા મુજબ.

છે ઘણું જે નિયમના અક્ષાંશ ને રેખાંશ પર,
ગોઠવી શકતા નથી નિષ્ણાત, રાબેતા મુજબ.


0 comments


Leave comment