1.14 - ના પ્રધાનના પ્રમુખ-પ્રસંગમાં જરાતરા / હેમેન શાહ


ના પ્રધાનના પ્રમુખ-પ્રસંગમાં જરાતરા,
હું કટાક્ષચિત્રના છું વ્યંગમાં જરાતરા.

વેદનાની શક્ય છે છૂટીછવાઈ હસ્તપ્રત,
હોય ઈસ્પિતાલના પલંગમાં જરાતરા.

દૃષ્ટિ જાણકારની તો ચિત્રસોંસરી ગઈ,
થોભી એ ન રૂપમાં, ન રંગમાં જરાતરા.

તાલમાં એ રેબઝેબ થઈ રહ્યો, કે જો ગયો
સ્પર્શ ભૂલચૂકથી મૃદંગમાં જરાતરા.

મૃત્યુ એટલે સમગ્ર જાતને વહેંચવી,
વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં જરાતરા.


0 comments


Leave comment