1.16 - સિદ્ધાંત - સૃષ્ટિ એણે પળમાં ઠગી હતી / હેમેન શાહ


સિદ્ધાંત - સૃષ્ટિ એણે પળમાં ઠગી હતી,
જેને રહસ્ય બનવા પરવાનગી હતી.

બે બાજુએ ખસીને વાતાવરણ ઊભું,
તારી સુગંધ પાસે હવાની બગી હતી.

ઉકેલવા સમસ્યા બેઠો હતો અને,
મારી સમજની સરહદ દુનિયા લગી હતી.

કાઢી ભલે ગઝલ મેં કંઈ સાફસુથરી,
સંદૂક બાકી મારી એ ખાનગી હતી.

મતલબ મને સમજતાં મોડું ઘણું થયું,
મૃત્યુને જન્મ સાથે વાબસ્તગી હતી.

વાબસ્તગી – સંબંધ


0 comments


Leave comment