1.17 - ભલું થજો નવા પ્રસંગ નીકળ્યા લટકમટક / હેમેન શાહ


ભલું થજો નવા પ્રસંગ નીકળ્યા લટકમટક,
નવલકથા થતી હતી કે ક્યારની અટક અટક.

નથી શું શક્ય કે જરા હું કેન્દ્રમાં રહી શકું?
પ્રસરતાં વર્તુળોની સાથે કાં કરું ભટક ભટક ?

છે આસપાસ પિંજરું એ સ્થૂળ યા તો સૂક્ષ્મ હો,
મીઠું મીઠું રટ્યા કરું કે બોલવું છટક છટક ?

કહી શકું તો અબઘડી, હું વાત એક દીવા સમી,
પછી કદાચ અગ્નિના છૂટા થશે ઘટક ઘટક.

એ જિંદગી કે પ્રેમ હો, વિષાદ કે હો સ્તબ્ધતા,
પીવાની રીત એ જ છે કે પીજિયે ગટક ગટક.


0 comments


Leave comment