1.19 - લડત ઉપાડવામાં સ્હેજ હું મોડો પડ્યો હોઈશ / હેમેન શાહ


લડત ઉપાડવામાં સ્હેજ હું મોડો પડ્યો હોઈશ,
કે પયગંબર થવામાં સ્હેજ હું મોડો પડ્યો હોઈશ.

અહીં સામર્થ્ય મારું, ત્યાં છે તેં રાખેલી આકાંક્ષા,
અહીંથી ત્યાં જવામાં સ્હેજ હું મોડો પડ્યો હોઈશ.

હવે ચીંધે ખરેલી ડાળખી જે, એ દિશા સાચી,
વસંતો લાવવામાં સ્હેજ હું મોડો પડ્યો હોઈશ.

હશે કોઈ હથેળીમાં જડેલી પાંખ સમળીની,
ને મોકો ઝાલવામાં સ્હેજ હું મોડો પડ્યો હોઈશ.

રમૂજી ચિત્રપટ્ટીમાં પુરાઈ રહેવું જીવનભર,
સીમાઓ છેદવામાં સ્હેજ હું મોડો પડ્યો હોઈશ.


0 comments


Leave comment