1.20 - ખરવું ક્યાં લગ આમ અનુભવ કડવો લઈને? / હેમેન શાહ


ખરવું ક્યાં લગ આમ અનુભવ કડવો લઈને ?
વૃક્ષો સામે ચાલો સવિનય બળવો લઈને.

સાધ્વી જેવું સૌમ્ય શિખર પર્વતનું, પડખે,
આભ ખડું ચૂપચાપ ખભા પર ભગવો લઈને.

સંકેતો સમજી શકવાની કોશિશ યાને,
પેસેફિકને પાર કરું છું મછવો લઈને.

પ્હોંચી શકશે ધૂસર મેડી લગ બહુ બહુ તો,
તૂટી ગઈ જે આ સારંગી, લકવો લઈને.

દેખાવે તો કેવળ કાલુંઘેલું વાદળ,
પણ આવ્યું વર્ષાનો શાહી ફતવો લઈને.


0 comments


Leave comment