1.23 - એમ તો સંકલ્પને પણ દેહ છે / હેમેન શાહ


એમ તો સંકલ્પને પણ દેહ છે, પણ ખાસ નહિ,
ને ઉપેક્ષામાં ય અલબત્ત સ્નેહ છે, પણ ખાસ નહિ.

પ્રકૃતિને હસ્તગત ખીલવા ને ખરવાની કળા,
એવી માનવમાં હજી કુનેહ છે, પણ ખાસ નહિ.

મગ્ન સૂરજ-સ્નાનમાં નળિયાં બધાં આંખો મીંચી,
ક્યાંક ચોંટેલો ત્વચા પર મેહ છે, પણ ખાસ નહિ.

ઊતરી ગઈ છે ઋતુના સ્કંધ પરથી પાલખી,
મ્હેકના ટકવા વિષે સંદેહ છે, પણ ખાસ નહિ.

ગઢ ભલે વિશ્વાસનો ભાંગી ગયો – રચશું ફરી,
એક અસમંજસની આ ફત્તેહ છે, પણ ખાસ નહિ.


0 comments


Leave comment