1.25 - ગર્ભાશયમાં હું લગરીક બંધાયો હો / હેમેન શાહ


ગર્ભાશયમાં હું લગરીક બંધાયો હો, સો વર્ષો પ્હેલાં,
લોહીનાં મોજાંથી હું ભૂંસાયો હો, સો વર્ષો પ્હેલાં.

ચચરી ઊઠે છે ખુલ્લો વરસાદ ત્વચા પર તો આજે પણ,
છેક લગી ઘોડા પાછળ ઘસડાયો હો, સો વર્ષો પ્હેલાં.

શહેર વસ્યું, તો બૅન્ક બની, તો ધાડ પડી ત્યાં ધોળે દિવસે,
જ્યાં એકલદોકલ યાત્રી લૂંટાયો હો, સો વર્ષો પ્હેલાં.

એના એ પ્રશ્નો જાગે નિર્ધારિત લયથી કોઈ મનમાં,
દેખા દે, જે ધૂમકેતુ દેખાયો હો, સો વર્ષો પ્હેલાં.

હું એક મુદ્દો હાલ રજૂ કરતો'તો પણ અટક્યો, કે લાગ્યું,
અંતઃપુરની ભીંતોમાં ચર્ચાયો હો, સો વર્ષો પ્હેલાં.


0 comments


Leave comment