1.27 - ઉજ્જડ થતાં રહે કાં નગરો દરેક યુગમાં? / હેમેન શાહ


ઉજ્જડ થતાં રહે કાં નગરો દરેક યુગમાં ?
આવો સવાલ રહેશે અઘરો દરેક યુગમાં.

શબ પોતીકું ખભે લઈ ફરવું પડે નિરંતર,
વેતાળપચ્ચીસી છે ખતરો દરેક યુગમાં.

બુઝુર્ગને સામાજિક ચારિત્ર્યની ફિકર હો,
જન્મે છે તોય માર્લિન મનરો દરેક યુગમાં.

કાપીને ઓકટોપસના પગ, હું બહાર આવું,
કોઈ ધકેલે બાંધી પથરો દરેક યુગમાં.

અફસોસ છે મને તો અકબંધ રહી જવાનો,
અણગમતી રાણીનો હું ગજરો દરેક યુગમાં.


0 comments


Leave comment