1.29 - વાંચવી હો તો બાગમાં છે સૂચના સામી / હેમેન શાહ


વાંચવી હો તો બાગમાં છે સૂચના સામી,
“બંધ છે હાલ અહીં કળીમાં ઋતુ આગામી.”

લઈ જશે એક સમુદ્રનો તરંગ ઉત્સાહી,
રેત પર ચિત્ર દોરીને કરું છું લીલામી.

એમ અંતે ખરી પડ્યાં પલાશનાં ફૂલો,
આદરે મઠ તરફ પ્રયાણ બૌદ્ધ અનુગામી.

સ્વેદબિંદુ કપાળ પર હો જેમ નૃત્ય પછી,
સાંજના સૂર્યનો નભે મુકામ હંગામી.

ક્યાંથી ક્યાં ગઈ તરત સુગંધ મુક્તકેશાની,
થાય જે શીઘ્રતા વડે કશીક બદનામી.


0 comments


Leave comment