1.31 - જ્યારે હું તારા વિચારોમાં અછડતો હોઉં છું / હેમેન શાહ


જ્યારે હું તારા વિચારોમાં અછડતો હોઉં છું,
દૂરના જંગલપ્રદેશોમાં રખડતો હોઉં છું.

શાંત મનની ખીણમાં પડઘાય તારું નામ જ્યાં,
હું જ અસ્થિર ભેખડો માફક ગબડતો હોઉં છું.

રાતના ઊઘડી ગયેલી બારીની તું બ્હાર છે,
ક્યાંક જાગ્રત પાંદડાંઓમાં ખખડતો હોઉં છું.

હું ઉલ્લંઘી કાળ ને સ્થળ, સ્વપ્ન તારું જોઉં છું,
પ્રાતઃકાળે સૂર્યની સાથે ઝઘડતો હોઉં છું.

જાય છે ઓફિસ તરફ જે, એ જ રસ્તામાં કશે,
હું ખરેલી સૌ વસંતોને કચડતો હોઉં છું.


0 comments


Leave comment