1.32 - ન જાણે મને કેટલાયે યુગોથી / હેમેન શાહ


ન જાણે મને કેટલાયે યુગોથી દિવસરાત જળનો ઘસારો રહે છે,
વહીને જતા લોક જોઉં છું ત્યારે, મને સ્થિરતાનો મુઝારો રહે છે.

જુઓ છો તમે એ નયન એમનાં છે, નથી સર્વ જાહેર આકાશ કોઈ,
ન સૂરજ, ન ચાંદો, ન તારા છતાંયે, દિશાનો અહીં એક ઈશારો રહે છે.

તમે તો ખનિજતેલ સંપન્ન દેશો, અમે તો ત્રીજા વિશ્વના મુલ્ક છીએ,
તમારી જરા મહેરબાની ઉપર તો હમેશા અમારો ગુજારો રહે છે.

ભલે હો જીવનમાં હજારો ક્ષતિ પણ, હકીકતમાં અદૃષ્ટ સંપૂર્ણતા છે,
સીધી લાકડી પણ જો હો અધડૂબેલી તો તૂટયાનો ભ્રમ એકધારો રહે છે.

નથી ગાઉ ગાઉ સુધી કોઈ વસ્તી, કે નસ પારખી ખુદ કરો ઊંટવૈદું,
ખજૂરીનો લીલો જખમ છે હજીયે, ને વર્ષોથી રણને ધખારો રહે છે.


0 comments


Leave comment