1.33 - કંઈ પરિમાણો નકામા લાવ્યો હાથ / હેમેન શાહ


કંઈ પરિમાણો નકામા લાવ્યો હાથ,
મેં નવેસરથી બીજો સિવડાવ્યો હાથ.

એ જગાથી હું તરત નીકળી ગયો,
એક સજ્જનને ભલે પકડાવ્યો હાથ.

સાંજ વીતી સ્નેહ સંમેલન મહીં,
રાત આખી બેસી મેં સંધાવ્યો હાથ.

જો નથી કર્તા હું એકે કાર્યનો,
તો મને શા માટે આ પહેરાવ્યો હાથ?

ક્યારનો શોધું છું, પણ જડતો નથી,
જે નીતરતા રૂપમાં ભીંજાવ્યો હાથ.

ડૂબતાં મેં હાથ લંબાવ્યો હતો,
એમણે ઉત્સાહથી ફરકાવ્યો હાથ.


0 comments


Leave comment