1.34 - બેસી પડો ન આ રીતે પ્રત્યેક વળાંક પર / હેમેન શાહ


બેસી પડો ન આ રીતે પ્રત્યેક વળાંક પર,
અંકુશ જરા તો દાખવો પોતાના થાક પર.

ચિઠ્ઠી લખીને પણ હવે તો ફાયદો નથી,
પહોંચી ગયા છે ક્યારના એ છેકછાક પર.

છે બારીકાઈ વસ્ત્રની તો હાથનો કસબ,
જાઓ ન શોધવા તમે ખૂબીને ત્રાક પર.

એક્કે તિરાડ રોશનીની પણ પડે નહીં,
મુશ્તાક અંધકાર છે પોતાની ધાક પર.

સૂર્યાસ્ત, શ્રાંત પાંખ, પવન કે કશું નહીં,
વસ્તુઓ શું ખરીદવી એ છે ઘરાક પર.


0 comments


Leave comment