1.35 - લ્યો સોનેરી સન્નિવેશો આ અરસામાં / હેમેન શાહ


લ્યો સોનેરી સન્નિવેશો આ અરસામાં,
યૌવનનો મળતાં સંદેશો આ અરસામાં.

પોસ્ટરવાળા સરઘસ જેવી મૂછો ફૂટી,
આકર્ષવાની ઝુંબેશો આ અરસામાં.

જાત બચાવો કે આવ્યો છે પોલાણોના
લક્કડખોદ લઈ ઉદ્દેશો આ અરસામાં.

મોનાલીસાના સ્મિત શા એકાંતો છે ને,
ખુદના શંકાસ્પદ આવેશો આ અરસામાં.

સરવૈયામાં તટસ્થતા જળવાઈ મારી,
ગાઢ પ્રણય ત્યારે, ને કલેશો આ અરસામાં.


0 comments


Leave comment