1.41 - જો હાથમાં કલમ કે બંદૂક રાખીએ / હેમેન શાહ


જો હાથમાં કલમ કે બંદૂક રાખીએ,
ના લક્ષ્ય સાધવામાં સરતચૂક રાખીએ.

દોડાવવા નદીના અશ્વોને પૂરપાટ,
ઝરણાંની ચાંદીવાળી ચાબુક રાખીએ.

પ્રત્યેક પ્રસંગ જાણે દુશ્મનની છાવણી,
આવેશ હાલ પૂરતો તો મૂક રાખીએ.

મંતવ્ય સમજી શકવા બન્ને અરસપરસ,
કોઈ દુભાષિયાની નિમણૂક રાખીએ.

બુઠ્ઠા થઈ ગયા છે કલ્પન, વિચાર, શબ્દ:
થોડુંક ફેંકી દઈએ, થોડુંક રાખીએ.


0 comments


Leave comment